હોર્મુઝ સંકટ બાદ 5500 ડોલર સુધી પહોંચી ગયેલ ફ્રેઈટ ચાર્જ ઘટીને 2500 ડોલર સુધી આવી ગયો : હવે એક્સપોર્ટ વધવાની પ્રબળ સંભાવનાઅમેરિકા - ઈરાન વચ્ચે તણાવના કારણે શિપિંગ વ્યાવસાયિકોએ કોરોના મહામારી કરતા પણ વધુ ખરાબ સ્થિતિનો સામનો કર્યોમોરબી : ફેબ્રુઆરી અંતમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરેલા સંયુક્ત હુમલાને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થાને જબરો ફટકો પડ્યો છે.ખાસ કરીને મિડલ ઇસ્ટમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જોખમી બનતા અચાનક જ શિપિંગ ચાર્જમાં વૈશ્વિક લેવેલે કન્ટેનરની અછત અને ફ્રેઈટ ચાર્જમાં બમણાથી વધુનો વધારો ઝિંકાતા વિદેશ વ્યાપાર પડી ભાંગ્યા છે તેવામાં હવે મોરબીના સિરામિક સહિત દેશના એક્સપોર્ટરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે.હાલ મિડલ ઇસ્ટને બાદ કરતા વિશ્વના તમામ દેશોના શિપિંગ ચાર્જમાં 50 ટકાથી વધુ ઘટાડો થયો છે. શિપિંગ બિઝનેશ સાથે જોડાયેલા વ્યાવસાયિકોના મતે આગામી ડિસેમ્બર અંત સુધીમાં ઠપ્પ થયેલ એક્સપોર્ટની ગાડી પણ પાટે ચડશે.રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલતા યુદ્ધ બાદ અમેરિકા અને ઇઝરાઈલ દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલાને પગલે વર્ષ 2026ની શરૂઆત થતા જ સમગ્ર વિશ્વમાં આર્થિકક્ષેત્રે મોટો ફટકો પડયો છે.ભડકે બળતા ક્રૂડઓઇલના ભાવ અને રેડ સી તેમજ બ્લેક સી મા જોખમી માહોલને કારણે દરિયાઈ વ્યાપાર મોંઘો થયો છે. ઈરાન - અમેરિકા યુદ્ધ પૂર્વે જે શિપિંગ ચાર્જ આશરે 2500 ડોલરની આજુબાજુ રહેતો હતો. તે યુદ્ધ અને તણાવ બાદ ક્રમશઃ વધીને પહેલા 3500 ડોલર અને ત્યારબાદ હોર્મુઝ સંકટ ઘેરું બનતા ફ્રેઈટ ચાર્જ 5500 ડોલર સુધીની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ સહિત ભારતના નિકાસકારોની કમર ભાંગી ગઈ હતી અને વિદેશી વેપાર ઠપ્પ થઈ ગયા હતા.જો કે, રાહતની વાત એ છે કે હાલમાં અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી અને ઇઝરાયલમાં સામાન્ય ચૂંટણીને પગલે વૈશ્વિક સ્થિતિ મહદઅંશે શાંત પડતા હવે મિડલ ઇસ્ટ ક્ષેત્રને બાદ કરતા યુરોપ, લેટિન અમેરિકા, આફ્રિકા સહિતના વિશ્વના અન્ય તમામ મુખ્ય દેશોમાં મોકલવામાં આવતા માલ માટેના ફ્રેઈટ ચાર્જમાં 50 ટકાથી પણ વધુનો જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે એક સમયે 5500 ડોલર સુધી પહોંચી ગયેલો ફ્રેઈટ ચાર્જ હવે ઘટીને પુનઃ 2500 ડોલરની આસપાસ આવી ગયો છે, જેનાથી નિકાસકારોનો ટ્રાન્સપોર્ટેશન અને શિપિંગનો ખર્ચ સીધો જ ઘટ્યો છે.અગ્રણી શિપિંગ વ્યાવસાયિક દિગપાલસિંહના મતે અમેરિકા - ઈરાન વચ્ચે તણાવ સર્જાતા શિપિંગ બિઝનેસમાં તેમને છેલ્લા 15 વર્ષમાં ન જોઈ હોય તેવી ખરાબ સ્થિતિ જોઈ છે, તેઓ ઉમેરે છે કે, કોરોના મહામારી સમયે પણ આવી સ્થિતિ ન હતી. હાલમાં ફરી એક્સપોર્ટ શરૂ થયું છે અને ઇન્કવાયરી પણ વધી છે. જો કે, અમેરિકા હવે કોઈ અજુગતા પગલાં ન ભરે તો આગામી મહિનામાં હજુ પણ સમુદ્રી પરિવહનની સ્થિતિ સુધરી શકે તેવા સંજોગો હોવાનું તેમને જણાવ્યું હતું. આ રાહતરૂપ સ્થિતિને કારણે આગામી દિવસોમાં મોરબીના સિરામિક ટાઈલ્સ સહિત એક્સપોર્ટ બજાર ફરી ધમધમતું થશે અને વૈશ્વિક બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની સ્પર્ધાત્મકતા ફરી મજબૂત બનશે તેવી પૂરી આશા છે.