પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી દોડમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ લેવાયામોરબી અપડેટ : મોરબી શહેરમાં અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતિ નિમિત્તે આજે ૩૧ ઓક્ટોબરના રોજ 'રન ફોર યુનિટી' અર્થાત એકતા દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશના ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર મહાપુરુષના અમૂલ્ય યોગદાનને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ એકતા દોડ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રસ્થાન પામીને નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી તેમની પ્રતિમા સુધી યોજાઈ હતી. આ દોડમાં વિવિધ સરકારી કચેરીઓના સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. દોડના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.આ એકતા દોડમાં ૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં પોલીસ સ્ટાફ, મહાનગરપાલિકાનો સ્ટાફ, કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતના સ્ટાફનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ, રાજ્યસભાના સાંસદ ઝાલાજી, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા અને દુર્લભજીભાઈ દેથરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કલેક્ટર, ડીડીઓ, મેયર, કમિશનર અને ફોરેસ્ટ ઓફિસર જેવા ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપીને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. પોલીસ પરિવારના જવાનો અને જિલ્લા સંગઠનના કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને આ એકતા દોડને સફળ બનાવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભવિષ્યની પેઢીમાં પણ રાષ્ટ્રની એકતા માટેની ભાવના જીવંત રહે અને સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યોમાંથી યુવાનો પ્રેરણા મેળવે તે હેતુથી આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે મોરબીવાસીઓને માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સરદાર સાહેબના મૂલ્યો અને તેમના અખંડ ભારતના સંદેશને આપણે સૌએ જીવનમાં ઉતારવો જોઈએ. પ્રત્યેક નાગરિકે એકતાથી અને સંપીને રહીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ તેવો સૂર આ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.