'વન નેશન, વન ટાઈમ' માટે હરિકોટાથી NVS-03 સેટેલાઈટ અંતરિક્ષમાં જશે : ભારતની નેવિગેશન સિસ્ટમ વધુ સચોટ અને મજબૂત બનશેમોરબી : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરો દેશની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ અને સમયની ચોકસાઈને વધુ મજબૂત કરવા આજે શુક્રવારે રાત્રે 11.51 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી GSLV-F18 રોકેટ દ્વારા NVS-03 સેટેલાઈટ લોન્ચ કરશે. આ મિશન દ્વારા ભારત તેની ત્રીજી સ્વદેશી એટોમિક ક્લોક એટલે કે, પરમાણુ ઘડિયાળ અંતરિક્ષમાં સ્થાપિત કરશે.'વન નેશન, વન ટાઈમ' માટે છોડવામાં આવનાર આ ઉપગ્રહથી ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વધુ સચોટ અને મજબૂત બનશે1999ના કારગિલ યુદ્ધ વખતે અમેરિકાએ ભારતને જીપીએસ ડેટા આપવાનો ઇનકાર કર્યો હતો. આ વ્યૂહાત્મક જોખમને સમજીને ભારતે પોતાની સ્વતંત્ર નેવિગેશન સિસ્ટમ 'NavIC' વિકસાવી છે. આ સિસ્ટમ ભારત અને તેની સરહદોથી 1,500 કિમી સુધીના વિસ્તારમાં સચોટ માહિતી આપે છે. અગાઉના સેટેલાઈટમાં આયાતી ક્લોક નિષ્ફળ જતાં, ઈસરોએ પોતાની સ્વદેશી રુબિડિયમ એટોમિક ક્લોક વિકસાવી છે.NVS-03 એ નેક્સ્ટ જનરેશન સિરીઝનો ત્રીજો સેટેલાઈટ છે. આ સેટેલાઈટમાં અગાઉના L5 અને S સિગ્નલ ઉપરાંત ખાસ સિવિલિયન L1 સિગ્નલ પણ ઉમેરવામાં આવ્યું છે. આ L1 સિગ્નલનો ઉપયોગ મોટાભાગના સ્માર્ટફોન અને સ્માર્ટ ડિવાઇસમાં GPS માટે થાય છે, જેનાથી સામાન્ય લોકોને વધુ સચોટ લોકેશન મળશે.મહત્વનું છે કે, એટોમિક ક્લોક સમય માપવા માટેનું સૌથી સચોટ ઉપકરણ છે. નેવિગેશનમાં સેકન્ડના અબજમા ભાગની એટલે કે,નેનો સેકન્ડ ભૂલ પણ જમીન પર 300 મીટરનું અંતર બદલી શકે છે. જેથી ઈસરો દ્વારા ખાસ એટોમિક ક્લોક વિકસાવવામાં આવી છે. ઇસરોનું આ લોન્ચિંગથી સરકારના 'વન નેશન, વન ટાઈમ' વિઝનને પણ અનુરૂપ છે. ટેલિકોમ્યુનિકેશન, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, ડિજિટલ પેમેન્ટ, પાવર ગ્રીડ અને ડેટા સેન્ટર્સ જેવી આધુનિક અને ડિજિટલ વ્યવસ્થાઓ માટે એકદમ સચોટ સમય અત્યંત જરૂરી છે, જેને આ સ્વદેશી ટેક્નોલોજી પૂરો પાડશે.