લોકોની મિલકતો સીલ કરતું તંત્ર પોતાની જ કચેરીની જરૂરી મંજૂરી લેવાનું ચૂક્યું!ફાયર NOC ન હોવાને કારણે જ બિલ્ડીંગની BU પરમિશનની પ્રક્રિયા અટકી - ટાઉન પ્લાનિંગ ઓફિસરમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની નવી ત્રણ માળની બિલ્ડીંગમાં શિફ્ટ થયાને 5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ નવી ઇમારતમાં હજુ સુધી ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવામાં આવી નથી અને બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન પણ લેવામાં આવી નથી. સામાન્ય નાગરિકોની મિલકતોમાં ફાયર સેફ્ટી ન હોય તો તેને સીલ કરવાની કાર્યવાહી કરતું તંત્ર પોતાની જ કચેરીમાં નિયમોનું પાલન કરવામાં ઉણું ઉતર્યું છે.મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ + ત્રણ માળની નવી ઇમારત બનાવવામાં આવી છે, પરંતુ તેમાં સલામતીના કોઈ ધોરણો જળવાયા નથી. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, બિલ્ડીંગ માટે ફાયર સેફ્ટીનો પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે, સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ ફાયર NOC મળશે. બીજી તરફ, ટાઉન પ્લાનિંગ ઓફિસર કુંજન પટેલના જણાવ્યુ હતું કે, ફાયર NOC ન હોવાને કારણે જ બિલ્ડીંગની BU પરમિશનની પ્રક્રિયા પણ હાલમાં અટકેલી છે. સરકારી બિલ્ડીંગના નિયમો મુજબ ડ્રોઈંગ સબમિટ કરીને બાંધકામ કરી શકાય છે, ટૂંક સમયમાં મહાનગરપાલિકાના બિલ્ડિંગની બિયુ પરમિશનની કામગીરી પ્રક્રિયા પૂર્ણ થઇ જશેકચેરીમાં આગ લાગે તો ફાયર સેફટીના અભાવે કર્મચારીઓ અને અરજદારોના જીવ જોખમમાં મુકાયમહાનગરપાલિકાની કચેરીમાં દરરોજ પોતાના વિવિધ કામકાજ માટે હજારોની સંખ્યામાં અરજદારો અને સામાન્ય નાગરિકોની અવરજવર રહેતી હોય છે. જો કચેરીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બને, તો ફાયર સેફ્ટીના સાધનોના અભાવે મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. તંત્રની આ લાપરવાહીના કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને કચેરીની મુલાકાતે આવતા નિર્દોષ લોકોના જીવ સતત જોખમમાં મુકાયેલા રહે છે, છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી.બીજાને કાયદાના પાઠ ભણાવતી મહાપાલિકા પોતે જ્ઞાન લેશે ?શહેરમાં આવેલી હોસ્પિટલો, શાળાઓ કે કોમર્શિયલ બિલ્ડીંગોમાં જો ફાયર સેફ્ટીની સુવિધા ન હોય કે BU પરમિશન ન લેવાઈ હોય, તો મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારીને મિલકતો સીલ કરવાની કડક કાર્યવાહી કરે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, બીજાને કાયદાનો પાઠ ભણાવતું તંત્ર પોતાની જ 5 મહિના જૂની ઇમારતમાં નિયમોનું પાલન કરાવવામાં વામણું પુરવાર થયું છે.ફાયર સેફટીમાં કોન્ટ્રાક્ટરની ગોકળગતિની કામગીરીનવી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે. મહિનાઓ વીતી ગયા હોવા છતાં હજુ સુધી માત્ર પાઇપલાઇન નાખવાનું જ કામ થયું છે, જ્યારે મુખ્ય સાધનો લગાવવાના બાકી છે. કોન્ટ્રાક્ટરની આ ઢીલી નીતિ સામે તંત્રના ઉચ્ચ અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે.