અહીં અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા-કૃષ્ણ, રામ-સીતા-હનુમાનજી, મહાદેવ-પાર્વતી-ગણપતિજી સહિતના દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરાઈ : મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશથી ભાવિકો આવ્યાકલા કૌશલ્ય અને શિલ્પ સ્થાપત્યથી ભરપૂર આ મંદિરમાં 83 ફૂટ ઊંચાઈના પાંચ ગગનચુંબી શિખરો : વર્ષ 2001માં પૂ.પ્રમુખ સ્વામીએ મંદિરનો સંકલ્પ કર્યો, 2019માં પૂ.મહંત સ્વામીએ શિલાન્યાસ કર્યો, આજે તેમના જ હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા થઈ : પૂ.અપૂર્વમુનિમોરબી અપડેટ : મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા આજે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે તેનો લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવ અંતર્ગત બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને સાત કિલોમીટર લાંબી ભવ્ય નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના આ મંદિર તમામ લોકો માટે શાંતિ, સંસ્કાર અને સનાતન સંસ્કૃતિના દર્શનનું કેન્દ્ર બની રહેશે.બીએપીએસ સંસ્થાના અપૂર્વમુનિ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં પ્રમુખસ્વામી મહારાજે આ મંદિરનો સંકલ્પ કર્યો હતો, જેનો શિલાન્યાસ મહંતસ્વામી મહારાજ દ્વારા વર્ષ ૨૦૧૯માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે વૈદિક મહાપૂજા અને મંત્રોચ્ચાર સાથે આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ છે. કલા કૌશલ્યથી સજ્જ આ મંદિરમાં ૮૩ ફૂટ ઊંચા પાંચ શિખરો છે અને મંદિરના આગળના ભાગમાં જ માણકી ઘોડી પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય છે. અહીં અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા-કૃષ્ણ, રામ-સીતા-હનુમાનજી, મહાદેવ-પાર્વતી-ગણપતિજી સહિતના સર્વ દેવતાઓની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે.આ નૂતન મંદિર પરિસરમાં અતિથિગૃહ, ભોજનશાળા, તેમજ બાળકો અને યુવાનો માટે સંસ્કાર કેન્દ્રોની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે અને દર રવિવારે અહીં સંસ્કાર સભાનું આયોજન થશે. મહોત્સવના ભાગરૂપે સાંજે લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આફ્રિકા, અમેરિકા, લંડન અને ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાંથી ભક્તો મહોત્સવ માણવા મોરબી પધાર્યા હતા. આગામી ૪ તારીખ સુધી મહંતસ્વામી મહારાજ મોરબીમાં બિરાજમાન રહેશે પૂ.અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ શ્રદ્ધાળુઓ આ દિવ્ય માહોલનો અને સંતોના દર્શનનો લાભ લઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી ૪ તારીખ સુધી મહંતસ્વામી મહારાજ સ્વયં આ નૂતન મંદિર પરિસરમાં બિરાજમાન રહેવાના છે. જેથી મોરબી તેમજ આસપાસના વિસ્તારોના હજારો ભાવિક ભક્તો દર્શન સમાગમનો લાભ મેળવી શકશે. વિશ્વભરના ૫૫ દેશોમાં ૧૮૦૦થી વધુ મંદિરો ધરાવતી બીએપીએસ સંસ્થાનું આ નવું નજરાણું મોરબીના આંગણે શોભી રહ્યું છે.'મંદિરના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ઈમારત ચણવાનો નથી, સમાજમાં મૂલ્યોનું સિંચન કરવાનોપૂ.અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું કે મોરબીમાં આટલા વિશાળ મંદિરના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ઈંટોની ઈમારત ચણવાનો નથી, પરંતુ સમાજમાં મૂલ્યોનું સિંચન કરવાનો છે. ગુણાતીત પરંપરાના સંતોની ઈચ્છા છે કે મોરબી શહેર વધુ સુખી, સમૃદ્ધ, શાંત અને સંપીલું બને. આ મંદિર થકી ભવિષ્યની પેઢીમાં ધર્મભાવના અને સદાચાર જાગૃત થશે. સૌ સાથે મળીને એક અને નેક બનીએ, જેથી શ્રેષ્ઠ ગુજરાતનું નિર્માણ થાય અને ભારત દેશ સમગ્ર દુનિયામાં વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થાય તેવો દિવ્ય ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અમેરિકાથી આવેલા ભક્તે જણાવ્યું, આ મંદિર સાચો મનુષ્ય બનાવવાનું કાર્ય કરશે અમેરિકાના ન્યુયોર્કથી મોરબી બીએપીએસ મંદિરના લોકાર્પણ પ્રસંગે પધારેલા ખ્યાતિબેન પંડ્યાએ પોતાની ધન્યતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમારા મોટા ભાગ્ય છે કે અમારા ગુરુ અને મોક્ષના દ્વાર એવા મહંતસ્વામી મહારાજ 93 વર્ષની વયે આ મંદિરની પ્રતિષ્ઠા કરી રહ્યા છે. લોકોના કલ્યાણ માટે ખુલ્લું મુકાયેલું આ મંદિર હજારો વર્ષો સુધી અડીખમ રહેશે અને અમેરિકાથી પણ લોકો અહી વિશેષ લાભ લેવા આવ્યા છે. જ્યારે દુનિયામાં લોકો પ્રાણીઓ ખાઈને માત્ર પોતાનું પેટ ભરવામાં વ્યસ્ત છે, ત્યારે આ મંદિર એક સાચો મનુષ્ય બનાવવાનું અને સંસ્કારોનું ઘડતર કરવાનું મહાન કાર્ય કરી રહ્યું છે. આ સંકુલ આવનારી નવી પેઢીના ભવિષ્યનું સાચા અર્થમાં ઘડતર કરશે. મોરબીના આંગણે નિર્માણ પામેલા આ ભવ્ય મંદિરના દર્શન કરવા સૌને પધારવા માટે તેઓએ ખુલ્લા મને આમંત્રણ પાઠવ્યું હતું.સુરતથી પધારેલા હરિભક્તે મોરબીના આંગણે દિવ્યતા અને ધન્યતાનો અનુભવ કર્યો સુરતથી પોતાની આખી ટીમ સાથે મોરબી પધારેલા જયેન્દ્ર પરમારે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અમે સૌ એક અદભુત ધન્યતા અને દિવ્યતાનો માહોલ અનુભવી રહ્યા છીએ. અહીં અમારી જેમ જ હજારો અને લાખોની સંખ્યામાં હરિભક્તો દેશભરમાંથી ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. મોરબી નગરને પ્રાપ્ત થયેલું આ નવું નજરાણું સનાતન ધર્મની ભાવના સાથે લોકોના અંતરમાં એક અનેરો આનંદ જગાડી રહ્યું છે. આ માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ અહીં આવનારા દરેક ભાવિક ભક્તોના જીવનમાં મોટા પાયે પરિવર્તન આવી રહ્યું છે. આ દિવ્ય સ્થાનની ઊર્જા અને સંતોના આશીર્વાદથી સૌ કોઈ પોતાના જીવનમાં નવી સકારાત્મકતાનો અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે.#Morbi #BAPS #SwaminarayanTemple #MurtiPratishtha #MorbiUpdate #MahantSwamiMaharaj