સાયબર ફ્રોડ રોકવા માટે ટેલિકોમ વિભાગનો મોટો નિર્ણય, 'સિમ બાઈન્ડિંગ' ફરજિયાત કરાયુંમોરબી અપડેટ : સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધી રહ્યા હોય, તેને રોકવા માટે સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. આગામી ૧ જાન્યુઆરીથી સ્માર્ટફોનમાં સિમકાર્ડ નહીં હોય તો વોટ્સએપ અને ટેલિગ્રામ એપ્લિકેશન્સ કામ કરવાનું બંધ કરી દેશે. ટેલિકોમ વિભાગ દ્વારા તમામ મેસેજિંગ પ્લેટફોર્મ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં યુઝર્સના એકાઉન્ટને લાઈવ અને સક્રિય સિમકાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નવા નિયમના કારણે માત્ર વાઇ-ફાઇ દ્વારા ચાલતી અને રજિસ્ટર્ડ સિમકાર્ડ વિના ઉપયોગમાં લેવાતી મેસેજિંગ સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત થશે.ટેલિકોમ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી સિમ બાઈન્ડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. મેસેજિંગ પ્લેટફોર્મ્સે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં તેમના પ્લેટફોર્મને રજીસ્ટર્ડ લાઈવ સિમ સાથે ઈન્ટિગ્રેટ કરવાનું રહેશે. આ નિયમ લાગુ થયા બાદ જો મોબાઈલમાંથી સિમકાર્ડ કાઢી લેવામાં આવશે, બદલવામાં આવશે અથવા તો તે ડીએક્ટિવેટ થઈ જશે, તો જ્યાં સુધી નવું વેલિડ સિમ નહીં નાખવામાં આવે ત્યાં સુધી એપની તમામ સેવાઓ બંધ થઈ જશે. આનાથી એવા યુઝર્સને મોટી અસર થશે જેઓ એકથી વધુ ડિવાઈસ વાપરે છે અથવા વારંવાર પોતાના સિમકાર્ડ બદલતા રહે છે.આ કડક પગલું ભરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સરહદ પારથી થતા સાયબર ફ્રોડ, ફિશિંગ અને 'ડિજિટલ અરેસ્ટ' જેવા કૌભાંડોને ડામવાનો છે. ગત વર્ષે નવેમ્બરમાં જાણવા મળ્યું હતું કે કેટલીક એપ-આધારિત સેવાઓ ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે, પરંતુ ડિવાઇસમાં તે નંબરનું સિમકાર્ડ હોતું નથી. આ ખામીનો લાભ લઈને વિદેશમાં બેઠેલા ગઠિયાઓ સાયબર ફ્રોડને અંજામ આપતા હતા. આથી, ટેલિકોમ સાયબર સિક્યુરિટી રૂલ્સ, ૨૦૨૪ હેઠળ વોટ્સએપ, ટેલિગ્રામ ઉપરાંત સ્નેપચેટ, અરેટ્ટાઈ, શેરચેટ, જિયોચેટ અને સિગ્નલ જેવી એપ્સને સાંકળી લઈને આ કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.નવા નિયમ અંતર્ગત હવે એપ-આધારિત કોમ્યુનિકેશન પ્રોવાઈડર્સે ખાતરી કરવી પડશે કે તેમની સેવા ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરેલા સિમકાર્ડ સાથે સતત જોડાયેલી રહે. ગ્રાહકોની ઓળખ અને સેવાઓની ડિલિવરી માટે જે મોબાઈલ નંબર વપરાય છે, તેનું રજીસ્ટર્ડ સિમ ફોનમાં હોવું અતિ આવશ્યક છે. તે ચોક્કસ અને સક્રિય સિમકાર્ડની ગેરહાજરીમાં મોબાઈલની અંદર એપનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરવો સંપૂર્ણપણે અશક્ય બની જશે.એપલે નિયમ પાળવા આઈઓએસ અપડેટ કર્યું, સિગ્નલનું હજુ મૌનસરકાર દ્વારા સિમ બાઈન્ડિંગ ફરજિયાત કરવાના આદેશ બાદ વિવિધ ટેક કંપનીઓએ પોતાના સોફ્ટવેરમાં ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે. ટેક જાયન્ટ એપલે નવા નિયમોનું પાલન કરવા માટે આઇફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરીને એક નવું સોફ્ટવેર પેચ બહાર પાડ્યું છે. જેથી ફિઝિકલ સિમકાર્ડ વગર એપના સંચાલનને નિયંત્રિત કરી શકાય. બીજી તરફ, સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં સુરક્ષિત મનાતી મેસેજિંગ એપ 'સિગ્નલ' દ્વારા હજુ સુધી આ અંગે કોઈ જ પ્રતિક્રિયા કે જવાબ આપવામાં આવ્યો નથી.વેબ વર્ઝન દર ૬ કલાકે ફરજિયાત લોગ-આઉટ થશેમોબાઈલ એપ્લિકેશન ઉપરાંત કમ્પ્યુટર કે લેપટોપ પર વપરાતા વોટ્સએપ કે ટેલિગ્રામના વેબ વર્ઝન માટે પણ અત્યંત કડક જોગવાઈ કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, મેસેજિંગ એપના વેબ સર્વિસ ઈન્સ્ટન્સને સમયાંતરે સિસ્ટમમાંથી ફરજિયાત લોગ-આઉટ કરવું પડશે. આ સમયગાળો મહત્તમ છ કલાકનો નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે છ કલાકથી વધુ સમય સુધી વેબ વર્ઝન સતત લોગ-ઈન રહી શકશે નહીં. ત્યારબાદ યુઝરે ફરીથી વેબ વર્ઝન વાપરવા માટે પોતાના મોબાઈલમાંથી ક્યુઆર કોડ સ્કેન કરીને ડિવાઇસને નવેસરથી લિંક કરવું પડશે.