વજેપર ગામની જમીનની વારસાઇ નોંધમાં હસીબેનનું હુલામણુ નામ કંચનબેન હોવાનું જણાવી સુધારો કરવા કરવામાં આવી હતી રીવીઝન અરજી મોરબી : મોરબી જિલ્લા કલેકટ દ્વારા મહેસુલી રેકર્ડમાં નામ સુધારા અંગેનો એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. મોરબી શહેરના વજેપર ગામના સર્વે નં. ૮૪૧ વાળી જમીનના રેકર્ડમાં વર્ષ ૨૦૧૧ માં દાખલ થયેલી વારસાઇ નોંધમાં જમીન અસમાનનો ફરક દેખાઈ તેવા નામો સુધારવા માટે કરવામાં આવેલ રીવીઝન અરજીને ફગાવી દઈ ૧૫ વર્ષ સુધી નહીં જાગેલા ખેડૂત પરિવારની અરજીને લાંબા વિલંબને કારણે કલેકટરે ફગાવી દીધી હતી.આ કેસની વિગત જોઈએ તો મોરબીના માધાપરમાં રહેતા અરજદાર રતીલાલ દેવરાજભાઇ પરમાર, ભાણજીભાઇ અને સોમૈયા સોસાયટીમાં રહેતા કંચનબેન દ્વારા નાયબ કલેકટરના હુકમ સામે કલેકટર સમક્ષ રીવીઝન અરજી કરવામાં આવી હતી. જમીનના મૂળ ખાતેદાર દેવકરણભાઇના અવસાન બાદ, ૨૦૧૧ માં મંજુર થયેલ વારસાઇ નોંધ નં. ૧૮૮૫૪ માં અરજદારોના હુલામણા નામ અનુક્રમે રતનભાઇ, ભરતભાઇ અને હસીબેન દાખલ થઈ ગયા હતા. અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે અજ્ઞાનતાના કારણે રેકર્ડમાં હુલામણા નામ નોંધાયા છે, તેથી ગેઝેટ અને ઓળખપત્રોને આધારે તેમના સાચા નામ દાખલ કરવામાં આવે. જોકે, નાયબ કલેકટરે ૧૫ વર્ષનો વિલંબ હોવાથી તેમની આ અપીલ ફગાવી દીધી હતી.બાદમાં આ કેસમાં અરજદારોએ જિલ્લા કલેકટર સમક્ષ રીવીઝન અરજી દાખલ કરતા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ પોતાના અવલોકનમાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, ૨૦૧૧ માં વારસાઇ નોંધ મંજુર કરવા વખતે રજૂ થયેલા મૂળ સોગંદનામામાં પણ વારસદારો તરીકે રતનભાઇ, ભરતભાઇ અને હસીબેનનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેથી અરજીમાં દર્શાવેલ નામોમાં કોઈ સામાન્ય જોડણીની ભૂલ કે ક્લેરિકલ ક્ષતિ જણાતી નથી, પરંતુ નામો વચ્ચે મોટું અંતર જણાય છે. સાથે જ અરજદારો દ્વારા અપીલ દાખલ કરવામાં ૧૫ વર્ષથી વધુનો જે વિલંબ થયો છે, તેના માટે કોઈ વ્યાજબી અને ચોક્કસ કારણો કે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ન હતા. આ તમામ હકીકતોને ધ્યાને લઈને મોરબી કલેકટરે નાયબ કલેકટરનો નિર્ણય કાયમ રાખીને અરજદારોની રીવીઝન અરજી નામંજુર કરી હતી.