આર્થિક રીતે નબળા પરિવારની વર્ષાબેન પરમારે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી મેળવ્યો સીધો લાભમોરબી અપડેટ: રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલી 'કુંવરબાઈનું મામેરું' યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોરબી જિલ્લાના ખાખરેચી ગામના સામાન્ય પરિવારની દીકરી વર્ષાબેન પરમારને આ યોજના અંતર્ગત લગ્ન પ્રસંગે 12000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.વર્ષાબેન પરમારે જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં પિતા એકમાત્ર કમાવનાર વ્યક્તિ છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી લગ્નનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે આ યોજનાએ મોટો ટેકો આપ્યો. લગ્ન નોંધણી કરાવ્યા બાદ વર્ષાબેને ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા ચકાસણી કરી અરજી મંજૂર કરાતા 12000 રૂપિયાની સહાય સીધી તેમને મળી હતી, જેના બદલ પરિવારે સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.નોંધનીય છે કે, કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિની પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગે 12000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા ધરાવતા ગુજરાતના મૂળ વતની પરિવારની મહત્તમ 2 કન્યાઓ આ લાભ મેળવી શકે છે. આ માટે લગ્નના 2 વર્ષની અંદર આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને બેંક પાસબુક જેવા દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરવાની રહે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Khakhrechi #KuvarbainuMameru #GujaratGovernment #SocialWelfare