ખેતરમાં વીજ થાંભલા, જમીન સંપાદન, પાક વીમા અને પોષણક્ષમ ભાવના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર : પ્રદેશ કક્ષાના અનેક નેતાઓએ સભા સંબોધી : ખેડૂતોને એકજૂથ થઈ સરકાર સામે લડત માટે આહવાનમોરબી અપડેટ : મોરબીના શનાળા-રાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સળગતા પ્રશ્નોને વાચા આપવા 'ખેડૂત આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 30 વર્ષથી શાસક પક્ષ દ્વારા ખેડૂતોની થતી અવગણના અને અન્યાય સામે પ્રદેશ કક્ષાના નેતાઓએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ગુજરાત પ્રભારીએ સૌરાષ્ટ્ર-કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી વિશેષ પેકેજ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. સાથે જ ખેતરમાં વીજ થાંભલા, જમીન સંપાદન, પાક વીમા અને પોષણક્ષમ ભાવના મુદા પણ ઉઠાવ્યા હતા.આ મહાસભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સૂરજેવાલા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, લલિત કગથરા સહિતના ટોચના નેતાઓએ હાજરી આપીને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી. સભામાં મુખ્યત્વે ખેડૂતોની કિંમતી જમીનોમાં પરાણે ઊભા કરવામાં આવતા 765 કેવી (KV) લાઈનના વિશાળ વીજ થાંભલાઓનો મુદ્દો છવાયો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશો જનતાના સેવક બનવાને બદલે ખાનગી કંપનીઓના નોકર બની ગયા છે અને માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે. આ ઉપરાંત, મોરબીમાં ગાળાથી વઘાસીયા સુધીના નેશનલ હાઇવે બાયપાસમાં વારંવાર એલાઈનમેન્ટ બદલીને બિલ્ડર લોબીને ફાયદો કરાવવા કિંમતી જમીનો પાણીના ભાવે સંપાદિત કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલાએ સરકાર સમક્ષ માંગ કરી હતી કે કચ્છ-સૌરાષ્ટ્રને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વિશેષ પેકેજ આપવામાં આવે. તેમજ ટ્રાન્સમિશન ટાવર માટે બજાર ભાવથી 400 ટકા, વીજ લાઈન નીચેની જમીનનું 100 ટકા વળતર અને દર વર્ષે 25,000 રૂપિયા ચૂકવવામાં આવે. આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ (MSP) અને જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો આગામી સમયમાં રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ, 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના ખેડૂત આંદોલનની જેમ એકજૂથ થઈને સત્તા પરિવર્તન લાવવા ખેડૂતોને આહ્વાન કરાયું હતું.વળતર અને MSP અંગે નિર્ણય નહિ લેવાય તો ઉગ્ર સંઘર્ષની રણનીતિ ઘડાશેગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે સત્તામાં બેઠેલા લોકો જનતાના સેવક બનવાને બદલે કંપનીઓના નોકરની જેમ વર્તી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉદ્યોગપતિઓની વીજળીની લાઈનો નાખવા માટે ખેડૂતોના ખેતરોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. જો સરકાર વળતર અને પોષણક્ષમ ભાવની માંગણીઓ નહીં સ્વીકારે, તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી દિવસોમાં ઉગ્ર સંઘર્ષની રણનીતિ ઘડશે.હાઈવે બાયપાસ જમીન સંપાદન મુદ્દે દિલ્હી સુધી લડત ચલાવવાની તૈયારીકોંગ્રેસ આગેવાન લલિતભાઈ કગથરાએ જણાવ્યું કે મોરબીમાં ગાળાથી લઈને વઘાસીયા સુધી નેશનલ હાઇવેના બાયપાસના જમીન સંપાદન માટે સરકારે ત્રણ વાર એલાઈનમેન્ટ બદલાવ્યું છે. આવી રીતે રિબડાથી એરપોર્ટ સુધીના રોડ માટે પણ કર્યું છે. આનાથી માત્ર બિલ્ડર લોબીને જ ફાયદો થાય છે અને ખેડૂતોની કિંમતી જમીન પાણીના ભાવે લેવાય છે. આ મામલે કોંગ્રેસ પ્રભારી સુરજેવાલાએ કહ્યું કે આ પ્રશ્નને એગ્રીકલ્ચર સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ જવામાં આવશે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ પણ આ મામલો ઉઠાવવામાં આવશે. જરૂર પડશે તો લલિતભાઈ, પીરઝાદા અને અધ્યક્ષના નેતૃત્વમાં એક ડેલીગેશન દિલ્હી જઈને આ રજૂઆત કરશે.ગુજરાતના ખેડૂતોએ પણ અહંકારી સરકાર સામે લડવું પડશેસાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ મંચ પરથી ખેડૂતોને જાગૃત કરતા જણાવ્યું હતું કે મૂંગા મોઢે અન્યાય સહન કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. જે રીતે દિલ્હીમાં ખેડૂતોએ એક થઈને સરકારને ઝુકાવી હતી, તે જ રીતે ગુજરાતના ખેડૂતોએ પણ અહંકારી સરકાર સામે લડવું પડશે. 2027માં ખેડૂતોના હિતવાળી સરકાર લાવવા ગામડે-ગામડે સંગઠિત થવા આહ્વાન કરાયું હતું.સરકારે ટ્રેક્ટર અને ઓજારો પર જીએસટી લગાવીને ખેતીને વધુ મોંઘી બનાવી દીધી કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં 765 કેવીના ટાવરો ઊભા કરાતા 100 મીટર સુધી ખેતી થઈ શકતી નથી અને વિરોધ કરતા ખેડૂતોને પોલીસનો ડર બતાવી જેલમાં ધકેલાય છે. બીજી તરફ સરકારે ટ્રેક્ટર અને ખેતીના ઓજારો પર જીએસટી લગાવીને ખેતીને વધુ મોંઘી બનાવી દીધી છે. જ્યારે માનીતા ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન અને સસ્તી વીજળી આપી દેવાય છે.