૧૦ જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા : ખરાબ રોડને કારણે સ્થાનિકોમાં ભભૂકતો રોષ: બે દિવસમાં રસ્તાનું સમારકામ નહીં થાય તો ઉગ્ર ચક્કાજામની ચીમકીમોરબી અપડેટ : મોરબી-નવલખી રોડ પર બિસ્માર રસ્તાઓ અને મસમોટા ખાડાઓના કારણે રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ માર્ગ પરથી પસાર થઈ રહેલી મજૂરો ભરેલી બોલેરો અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં બે નિર્દોષ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય અનેક શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અન્ય શહેરમાં ખસેડવામાં આવ્યા છે. ખરાબ રસ્તાઓના કારણે વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે, જેના પરિણામે આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને પંચાયતના સભ્યોમાં તંત્રની કામગીરી પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરવાળા અને લૂંટાવદર ગામ વચ્ચે આ અકસ્માતની ગોઝારી ઘટના બની હતી. બોલેરો કારમાં મધ્યપ્રદેશના શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાતા મહેન્દ્રભાઈ રૂમાલભાઈ મોવેલ (ઉં.વ. ૪૩) અને શંકરભાઈ પુનસિંગ અજનાર (ઉં.વ. ૩૬) નામના બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.આ અકસ્માતમાં અન્ય ૧૦ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોમાં અક્ષયભાઈ સાગરભાઈ મોવેલ (ઉં.વ. ૧૧), લાલો વાસ્કેલા (ઉં.વ. ૧૭), અમરભાઈ મોવેલ (ઉં.વ. ૩૨), બાબુભાઈ મોવેલ (ઉં.વ. ૩૫), રાધિકાબેન મોવેલ (ઉં.વ. ૧૨), દરબારસગન વાસુનિયા (ઉં.વ. ૩૫), રાકેશભાઈ રૂમાલભાઈ મોવેલ (ઉં.વ. ૩૨), ભગડીબેન મોહનિયા (ઉં.વ. ૨૫), દિનેશભાઈ મોવેલ (ઉં.વ. ૩૦) અને શેખરભાઈ (ઉં.વ. ૩૦) નો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, બે વ્યક્તિઓની હાલત અતિ ગંભીર હોવાથી તમામ લોકોને વધુ સઘન સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.બીજી તરફ, મોરબી નવલખી ફાટકથી લઈને નવલખી સુધીના રોડ પરથી જેપુર, પીપળીયા વગેરે ગામોના હજારો વાહનો પસાર થાય છે, પરંતુ રસ્તાઓની હાલત અતિ બિસ્માર હોવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પીપળીયા ગામના પંચાયત સભ્ય અલ્પેશ કોઠિયાએ વિકાસની વાતો કરતી સરકાર અને સ્થાનિક ધારાસભ્યની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે નેતાઓની વાતો પોકળ સાબિત થઈ રહી છે. જો આગામી બે દિવસમાં નવલખી ફાટકથી નવલખી સુધીના રસ્તાઓનું સમારકામ નહીં કરવામાં આવે, તો આસપાસના તમામ ગામોના સરપંચોને સાથે રાખીને રસ્તાઓ પર ચક્કાજામ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.