સામાન્ય વર્ગને માત્ર 10% અને SC/ST વર્ગને 5% જ ખર્ચ ભોગવવાનો રહેશે : રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને સીધો ફાયદો, સરકારી તિજોરી પર રૂ. 1000 કરોડનો બોજ વધશેમોરબી અપડેટ : વીજ સંકટ ખાળવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકો વધુને વધુ સોલાર રૂફટોપનો લાભ લઈ શકે તે હેતુથી 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' હેઠળ બે કિલોવોટ સુધીની ક્ષમતા પર વધારાની સબસિડી જાહેર કરાઈ છે. નવા નિયમ મુજબ હવે સોલાર સિસ્ટમ લગાવવા માટે સામાન્ય વર્ગે કુલ ખર્ચના માત્ર દસ ટકા અને એસસી/એસટી વર્ગે માત્ર પાંચ ટકા જ રકમ ચૂકવવાની રહેશે. કેન્દ્રની સહાય બાદ બાકીની તમામ રકમ રાજ્ય સરકાર સબસિડી સ્વરૂપે ભોગવશે, જેથી લોકોને મોટો આર્થિક ફાયદો થશે.રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી એક અને બે કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવનારા ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે તેની વિગતો પણ સ્પષ્ટ કરવામાં આવી છે. એક કિલોવોટની સોલાર પેનલનો કુલ ખર્ચ અંદાજે રૂ. ૫૪,૦૦૦ થાય છે, જેમાં કેન્દ્રની સહાય બાદ અગાઉ લાભાર્થીએ રૂ. ૨૧,૬૦૦ ચૂકવવા પડતા હતા. પરંતુ હવે નવી જાહેરાત બાદ સામાન્ય વર્ગના નાગરિકોએ માત્ર રૂ. ૫,૪૦૦ અને એસસી/એસટી વર્ગના લોકોએ માત્ર રૂ. ૨,૭૦૦ જ આપવા પડશે. તેવી જ રીતે, બે કિલોવોટની પેનલ માટે કુલ રૂ. ૧,૦૭,૨૦૦ના ખર્ચ સામે સામાન્ય ગ્રાહકે માત્ર રૂ. ૧૦,૭૨૦ અને એસસી/એસટી ગ્રાહકે રૂ. ૫,૩૬૦ જ ચૂકવવાના રહેશે.આ યોજના હેઠળ અપાતી નવી સબસિડીને કારણે રાજ્યના ત્રણ લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળશે. જોકે, આ વધારાની સબસિડીનો સંપૂર્ણ બોજ રાજ્ય સરકાર ઉપાડશે, જેનાથી સરકારી તિજોરી પર અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરાયેલી આ જાહેરાત નાગરિકો માટે દિવાળીની ભેટ સમાન છે. સરકારનો આ નિર્ણય રાજ્યમાં ગ્રીન એનર્જીના ઉપયોગને વેગ આપવા માટે પણ એક મહત્વનું કદમ બની રહેશે.સોલાર રૂફટોપ સ્થાપનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રાજ્યના નાગરિકોએ સૌર ઊર્જા અપનાવવામાં ભારે ઉત્સાહ દાખવ્યો છે અને નવી સબસિડી તેમાં વધુ વધારો કરશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૪ લાખથી વધુ ઘરોની છત પર સોલાર સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. ખાસ કરીને માત્ર 'પીએમ સૂર્ય ઘર' યોજનાની જ વાત કરીએ તો, આ યોજના અંતર્ગત ૮.૫ લાખથી વધુ ઘરો પર રૂફટોપ પેનલ સ્થાપિત કરવામાં આવી છે. આ મસમોટા આંકડા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે અને સૌર ઉર્જા ક્ષેત્રે મોખરે છે.વીજ બિલ શૂન્ય થવાની સાથે પરિવારને મળશે આર્થિક કમાણી સોલાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સબસિડી આપવાનો જ નથી, પરંતુ નાગરિકોને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો પણ છે. ઘરમાં સોલાર પેનલ લગાવ્યા બાદ ગ્રાહકોનું રોજિંદુ વીજ બિલ લગભગ શૂન્ય થઈ જાય છે, જે મોટી બચત છે. એટલું જ નહીં, ઘરની જરૂરિયાત કરતા વધુ વીજળી ઉત્પન્ન થાય તો તે વધારાની વીજળી સરકારને ગ્રીડમાં આપીને પરિવારો નિયમિત આવક પણ મેળવી શકે છે. આમ, પેનલ લગાવવાથી બચત અને કમાણી એમ બેવડો આર્થિક ફાયદો લોકોને મળી રહ્યો છે.