નારેશ્વરથી શરૂ થતી આ યાત્રા સતત ૬ મહિના ચાલશે, યાત્રિકો રોજના ૨૦ થી ૨૫ કિલોમીટર પગપાળા ચાલશેમોરબી અપડેટ : મોરબીના ૭૬ વર્ષીય વૃદ્ધ મનજીભાઈ ગોવિંદભાઇ ઉભડિયા (પ્રજાપતિ) આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન નર્મદા મૈયાની કઠિન પરિક્રમાનો પ્રારંભ કરી રહ્યા છે. તેમની સાથે મોરબીથી અન્ય ચાર મહિલાઓ પણ જોડાયા છે, આમ કુલ પાંચ વ્યક્તિઓનો સમૂહ નર્મદાના કાંઠે અસા (માલસર) પહોંચી ચૂક્યો છે. આ યાત્રાળુઓ નારેશ્વર ધામથી પોતાની ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત કરવા જઈ રહ્યા છે.મનજીભાઈ છેલ્લા પાંચ વર્ષથી નર્મદા પરિક્રમા કરવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હતા. સુરેન્દ્રનગરના રણછોડભાઈના માર્ગદર્શનથી તેમણે આ યાત્રા માટેની તૈયારીઓ શરૂ કરી હતી. ગત ૧૩મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે આ યાત્રા માટેનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, જેમાં યાત્રિકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આધારકાર્ડ તથા પાનકાર્ડ જેવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પરિક્રમાના નિયમ મુજબ બપોરે ૩ વાગ્યે નારેશ્વર ધામ પહોંચીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. અહીં યાત્રિકોને આઈ-કાર્ડ, લાકડી, દોરો, પાણીની બોટલ, ટોપી અને યાત્રાનો ખાસ ડ્રેસ આપવામાં આવ્યો હતો. સાંજે ૪ વાગ્યે નર્મદા કિનારે પૂજન-આરતી અને રાત્રે ૯ વાગ્યે કીર્તન-પ્રાર્થના કર્યા બાદ, બીજે દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે નર્મદા સ્નાન કરીને મુખ્ય પદયાત્રાનો પ્રારંભ થશે.પરિક્રમાના કડક નિયમ અનુસાર, આ છ મહિના દરમિયાન યાત્રિકો નર્મદા નદી ઓળંગીને સામે કાંઠે જઈ શકશે નહીં. નારેશ્વરથી શરૂ થતી આ ઉત્તરવાહિની પરિક્રમા અમરકંટક સુધી પહોંચશે અને ત્યાંથી દક્ષિણ કાંઠાની યાત્રા શરૂ થશે, જે અંતે અસા (માલસર) ખાતે હોડીમાં બેસીને નદી પાર કરી ફરી નારેશ્વર પહોંચીને પૂર્ણ થશે.૭૬ વર્ષની વયે દૈનિક ૨૦ થી ૨૫ કિમીની પદયાત્રા ૭૬ વર્ષ પૂર્ણ કરીને ૭૭મા વર્ષમાં પ્રવેશેલા મનજીભાઈ અદમ્ય ઉત્સાહ સાથે આ યાત્રા ખેડશે. છ મહિના સુધી ચાલનારી આ પરિક્રમામાં યાત્રિકોએ દરરોજ અંદાજે ૨૦ થી ૨૫ કિલોમીટર જેટલું ચાલવાનું હોય છે. આ કઠિન પદયાત્રા માટે શારીરિક ક્ષમતા કેળવવા મનજીભાઈ યાત્રા અગાઉ મોરબીમાં દરરોજ ૮ થી ૧૦ કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ કરતા હતા.માત્ર ત્રણ જોડી કપડાં અને જરૂરી દવાઓ સાથે પ્રયાણપરિક્રમા દરમિયાન યાત્રિકોએ અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવવાનું હોય છે, તેથી તેઓ પોતાની સાથે નહિવત્ સામાન લઈ જાય છે. મનજીભાઈ અને તેમનો સમૂહ પોતાની સાથે માત્ર બે થી ત્રણ જોડી કપડાં અને ઓઢવા માટે એક ચાદર કે ટુવાલ જ સાથે રાખી રહ્યા છે. આ ઉપરાંત, છ મહિનાના લાંબા સમયગાળા માટે અતિ આવશ્યક એવી માત્ર જરૂરી દવાઓ જ તેઓએ સાથે લીધી છે.