શહેરમાં દશેરાએ 40 હજાર કિલો સાટા અને 30 હજાર કિલો જલેબીના વેચાણનો અંદાજ : બે સ્થળોએ અસત્ય પર સત્યના વિજયરૂપે રાવણના પૂતળાનું દહન કરાશેમોરબી અપડેટ : આસો નવરાત્રિના નવ દિવસ સુધી જગતજનની આદ્યશક્તિની અખંડ ભક્તિ અને આરાધના કર્યા બાદ મોરબી શહેરમાં વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વની આજે ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ પર્વે શહેરમાં પરંપરાગત શસ્ત્ર-શાસ્ત્ર પૂજન અને વિવિધ સ્થળોએ હવન સહિતના ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરમાં બે સ્થળોએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. આ સાથે જ દશેરાએ મીઠાઈ અને ફરસાણ આરોગવાની પરંપરા જાળવી રાખવા માટે મોરબીવાસીઓ લાખો રૂપિયાના જલેબી, ફાફડા, સાટા અને ચોરાફળીની જયાફત માણી પર્વને ઉલ્લાસપૂર્વક ઉજવશે.દશેરાના તહેવારે મોરબીમાં જલેબી-ફાફડાની સાથે સ્થાનિક પરંપરાગત મીઠાઈ સાટા ખાવાનો વિશેષ મહિમા હોવાથી વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડશે. આ વર્ષે મોરબીમાં અંદાજે 40,000 કિલો જેટલા સાટાનું ધૂમ વેચાણ થવાનો અંદાજ છે. જેનો પ્રતિ કિલો ભાવ રૂ. 300 થી 560 સુધી બોલાઈ રહ્યો છે. આ ઉપરાંત અંદાજે 30,000 કિલો જલેબી (પ્રતિ કિલો રૂ. 280 આસપાસ), 10,000 કિલો ફાફડા (પ્રતિ કિલો રૂ. 520 આસપાસ) અને 15,000 કિલો ચોરાફળી (પ્રતિ કિલો રૂ. 350 થી 400 આસપાસ)ના વેચાણનો અંદાજ છે. સવારથી જ ગરમાગરમ વાનગીઓ ખરીદવા માટે લોકોની કતારો લાગી છે.બીજી તરફ, વિજયાદશમી નિમિત્તે મોરબીમાં વિવિધ સમાજો, સંગઠનો અને કચેરીઓમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનની પરંપરા નિભાવવામાં આવી રહી છે. તેમજ અનેક સ્થળોએ પવિત્ર હવનનું આયોજન કરાયું છે. સાંજના સમયે શહેરમાં બે મુખ્ય સ્થળોએ રાવણ દહનના ભવ્ય કાર્યક્રમો યોજાશે. આ પર્વને લઈને શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વાવડી રોડ અને અવની ચોકડી ખાતે રાવણનું કરાશે દહન મોરબીમાં વાવડી રોડ પર આવેલા રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા રાત્રે 10 કલાકે રામ-રાવણ યુદ્ધની વિશેષ પ્રસ્તુતિ અને ત્યારબાદ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કેનાલ રોડ પર અવની ચોકડી પાસે જય અંબે ગરબી મંડળ દ્વારા શહેરના સૌથી વિશાળ 50 ફૂટના રાવણના પૂતળાનું દહન કરાશે. આ રાવણ દહન પૂર્વે ગરબી ગ્રાઉન્ડથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી એક ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે.રાજમાતાના નિધનના શોકમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રદમોરબીના રાજમાતા વિજયકુંવરબા સાહેબના નિધનને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે, ત્યારે રાજવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા મોરબીમાં આયોજિત કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ધર્મરક્ષા સમિતિ દ્વારા એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રામલીલા અને ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ રદ કરાયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા પણ દશેરાના પવિત્ર પર્વે યોજાનારી દશેરા રેલી અને પરંપરાગત શસ્ત્ર પૂજન મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે અને સમગ્ર સમાજ દ્વારા શોક પાળવામાં આવશે.