લોખંડના પાઇપ અને લાકડીઓથી માર મારી માથામાં ટાંકા લેવા પડે તેવી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીમોરબી અપડેટ : મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામે મકાનના ભાડાની ઉઘરાણી બાબતે એક વેપારી અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાન ભાડે રખાવનાર વેપારીએ જ્યારે ભાડુઆત પાસે ભાડાની માંગણી કરી ત્યારે ઉશ્કેરાયેલા ભાડુઆતે તેના પરિવારજનો સાથે મળીને વેપારીની દુકાને ધસી જઈને લોખંડના પાઇપ અને લાકડીઓથી હુમલો કરી બંને ભાઈઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હરીપર (કેરાળા) ગામે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા 45 વર્ષીય અમિતભાઈ જયંતીલાલ હળવદિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અમિતભાઈએ પોતાના જ ગામના ધર્મેન્દ્રભાઈ ડાયાભાઈ ઉઘરેજાનું મકાન આરોપી લખમણભાઈ સુરેશભાઈ પાંચીયાને ભાડે અપાવ્યું હતું. જેનું છેલ્લા ત્રણ મહિનાનું ભાડું બાકી હતું.ગત તારીખ 18/10/2026 ના રોજ સવારે સાડા સાતેક વાગ્યે લખમણનો ભાઈ મેહુલ અમિતભાઈની દુકાને આવ્યો ત્યારે અમિતભાઈએ તેને બાકી ભાડું ચૂકવી દેવા જણાવ્યું હતું. આ વાતને લઈને થોડીવાર પછી લખમણ અને મેહુલ બંને દુકાને આવ્યા હતા અને અમિતભાઈ સાથે બોલાચાલી કરી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.ત્યારબાદ થોડા સમયમાં જ લખમણ, મેહુલ, તેમનો ભાઈ હીરાભાઈ અને પિતા સુરેશભાઈ ઘેલાભાઈ પાંચીયા હથિયારો સાથે દુકાને ધસી આવ્યા હતા. લખમણના હાથમાં લોખંડનો પાઇપ હતો જ્યારે અન્ય ત્રણના હાથમાં લાકડીઓ હતી. તેઓએ આવતાવેંત જ ગાળો ભાંડીને હુમલો કર્યો હતો. જેમાં સુરેશભાઈએ લાકડીનો ઘા અમિતભાઈના માથામાં માર્યો હતો. બૂમાબૂમ થતા અમિતભાઈના નાના ભાઈ દિપેશભાઈ બચાવવા વચ્ચે પડતા લખમણે તેમને પણ માથામાં લોખંડનો પાઇપ ઝીંકી દીધો હતો. આ દરમિયાન પાછળથી આવેલા ભરતભાઈ સુરેશભાઈએ પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ હુમલામાં અમિતભાઈ અને તેમના ભાઈ દિપેશભાઈ બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમિતભાઈને માથામાં ચાર ટાંકા અને દિપેશભાઈને પાંચ ટાંકા લેવા પડ્યા હતા.આ બનાવ અંગે અમિતભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે હરીપર ગામના આરોપીઓ લક્ષ્મણભાઈ સુરેશભાઈ પાંચીયા, મેહુલભાઈ સુરેશભાઈ પાંચીયા, હીરાભાઈ સુરેશભાઈ પાંચીયા, સુરેશભાઈ ઘેલાભાઈ પાંચીયા અને ભરતભાઈ સુરેશભાઈ પાંચીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiNews #CrimeNews #Haripar #Assault #MorbiPolice #MorbiUpdates