મોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યવસાય કરતા તમામ નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને ફેરિયાઓ માટે એક મહત્વના સમાચાર છે. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલી 'પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi)' યોજના અંતર્ગત નાના વેપારીઓને પોતાના વ્યવસાયના વિકાસ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરંટી વગરની લોન સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.શું છે યોજના અને કેટલી મળશે લોન? આ યોજનાનો મુખ્ય હેતુ શાકભાજી, ફળ, ચા-નાસ્તા, ફાસ્ટફૂડ કે અન્ય નાનો વ્યવસાય કરતા લોકોને સરળતાથી મૂડી પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના હેઠળ તબક્કાવાર લોન આપવામાં આવે છે:● પ્રથમ તબક્કો: કોઈપણ વસ્તુ ગીરવે મુક્યા વગર રૂ. ૧૫,૦૦૦/- સુધીની લોન.● દ્વિતીય તબક્કો: પ્રથમ લોનની નિયમિત અને સમયસર ચુકવણી કર્યા બાદ રૂ. ૨૫,૦૦૦/- ની લોન.● તૃતીય તબક્કો: ત્યારબાદ પોતાના વ્યવસાયને વધુ મોટો કરવા રૂ. ૫૦,૦૦૦/- સુધીની લોન મળવાપાત્ર છે.સમયસર હપ્તા ભરનારને વિશેષ લાભ જે લાભાર્થીઓ સમયસર લોનની ચુકવણી કરશે તેમને વ્યાજ સબસિડીનો લાભ મળશે. આ ઉપરાંત, આગામી તબક્કામાં રૂ. ૩૦,૦૦૦/- સુધીની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ મેળવવાની તક પણ ઉપલબ્ધ થશે. ડિજિટલ વ્યવહારો (ઓનલાઈન પેમેન્ટ) કરનાર વેપારીઓને સરકાર દ્વારા વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે.અરજી કરવા માટે જરૂરી આધાર-પુરાવા: આ લોકકલ્યાણકારી યોજનાનો લાભ લેવા ઈચ્છુક પાત્રતા ધરાવતા વેપારીઓએ નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે:● આધાર કાર્ડ● મોબાઇલ નંબર● બેંક પાસબુક● પાસપોર્ટ સાઇઝનો ફોટો● વેન્ડર સંબંધિત અન્ય કોઈ પુરાવા (જો હોય તો)અરજી ક્યાં અને કેવી રીતે કરવી? લાભાર્થીઓએ પોતાના દસ્તાવેજો સાથે કચેરી સમય દરમિયાન રૂબરૂ હાજર રહીને ઓનલાઈન અરજીપત્રક ભરાવવાનું રહેશે.સ્થળ: યુ.સી.ડી. શાખા, મોરબી મહાનગરપાલિકા, NULM ઓફીસ, બીજો માળ, સહયોગ કોમ્પ્લેક્ષ, ખારા કુવા શેરી, મોરબી.મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ પાત્રતા ધરાવતા સ્ટ્રીટ વેન્ડરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ પોતાના વ્યવસાયને આર્થિક રીતે વધુ મજબૂત બનાવે. અરજી પ્રક્રિયા કે યોજના અંગે વધુ માર્ગદર્શન માટે અરજદારો યુ.સી.ડી. શાખાનો રૂબરૂ સંપર્ક કરી શકે છે.