ઓક્ટોબર માસમાં યોજાયેલા તાલીમ કાર્યક્રમો, પ્રેરણા પ્રવાસો અને કિસાન ગોષ્ઠીમાં મહિલા ખેડૂતોએ પણ ઉત્સાહભેર ભાગ લીધોમોરબી અપડેટ : ગુજરાત સરકારના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પ્રોજેક્ટ, મોરબીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાભરમાં ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ વાળવા માટેની વ્યાપક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ઓક્ટોબર માસ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં આયોજિત ખેડૂતલક્ષી કાર્યક્રમો અંતર્ગત જિલ્લાકક્ષાના 9 તાલીમ કાર્યક્રમો, જિલ્લામાં 6 જેટલા પ્રેરણા પ્રવાસ, જિલ્લા બહારનો 1 પ્રેરણા પ્રવાસ અને 1 વિશેષ કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવિધ માધ્યમો દ્વારા 900થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું મૂલ્યવાન તકનીકી તથા વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.મોરબી આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે. એમ. ડાભીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામોને સરળતાથી પોતાની ખેતીમાં અપનાવી શકે તે માટે ખેતરો પર જઈને પ્રત્યક્ષ પ્રદર્શનો પણ યોજવામાં આવ્યા હતા.આ સાથે જ મહિલાઓની કૃષિ ક્ષેત્રે સક્રિય ભાગીદારી વધે તે હેતુથી 50 મહિલા ખેડૂતો માટે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસનું આયોજન કરી તેમને વિવિધ રિસર્ચ સ્ટેશન, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને મોડેલ ફાર્મની મુલાકાત કરાવાઈ હતી. ઉપરાંત, 'મહિલા દિવસ' નિમિત્તે ટંકારા તાલુકાના મિતાણા ગામે વિશેષ કિસાન ગોષ્ઠી યોજાઈ હતી, જેમાં 80થી વધુ મહિલા ખેડૂતોએ ઉપસ્થિત રહીને ખેતીવાડી, પશુપાલન અને બાગાયત અંગે સઘન તાલીમ મેળવી હતી.#Morbi #MorbiUpdate #NaturalFarming #ATMAProject #Agriculture #Farmers #MorbiNews #WomenInAgriculture #GujaratAgriculture