અનેક વેપારીઓ વારંવાર એક જ તેલમાં ફરસાણ તળતા હોવાનું સામે આવ્યું : સ્વચ્છતાના અભાવ બદલ નોટિસો અપાઈ : મોડી રાત સુધી મેગા ડ્રાઇવ જારી: શંકાસ્પદ ખાદ્યસામગ્રીના સેમ્પલ લેવાયામોરબી અપડેટ : દશેરા પૂર્વે મોરબી શહેરમાં મીઠાઈ તેમજ ફરસાણનું મોટા પાયે વેચાણ થતું હોવાથી મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ફૂડ શાખાની ટીમ દ્વારા શહેરભરમાં ખાદ્યપદાર્થોની દુકાનો તેમજ લારી-ગલ્લાઓ પર મોડી રાત સુધી સઘન મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન જાણીતી પેઢીઓમાં તપાસ કરી વારંવાર ઉપયોગમાં લેવાતા બળેલા અખાદ્ય તેલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોટાભાગના સ્થળોએ સ્વચ્છતાના ધારાધોરણો જળવાતા ન હોવાથી સંબંધિત વેપારીઓને સુધારણા માટે કડક નોટિસ ફટકારવામાં આવતા સમગ્ર વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.તહેવારો ટાણે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેવા ઉદ્દેશથી મોરબી મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા આયોજિત મેગા ડ્રાઇવ અંતર્ગત શહેરના જાણીતા એકમો મહાવીર સ્વીટ્સ, વિપુલ નમકીન તેમજ ગાંડુભાઈ ફરસાણ સહિતની મોટી પેઢીઓમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં ખાદ્ય સુરક્ષાના નિયમો નેવે મૂકીને એક જ તેલમાં વારંવાર ફરસાણ તળીને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકાતું હોવાનું જણાતા અધિકારીઓએ આવા હાનિકારક તેલનો તુરંત નિકાલ કરી નાશ કરાવ્યો હતો. ચેકિંગની વિસ્તૃત વિગતો અનુસાર મોટાભાગના વેપારી એકમોમાં પ્રાથમિક સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો, જેને પગલે વિપુલ સ્વીટ્સ-નમકીન અને ગાંડુભાઈ સહિતના સંચાલકોને મહાપાલિકા દ્વારા તાકીદે ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ એકમોને ખામીઓ સુધારી પૂરતી સ્વચ્છતા જાળવવા માટે 14 દિવસની મુદત આપવામાં આવી છે, ત્યારબાદ ફરી આકસ્મિક તપાસ કરી જો સુધારો નહીં જણાય તો વધુ કડક કાનૂની કાર્યવાહી તોળાશે. આ ઉપરાંત અન્ય દુકાનોમાં શંકાસ્પદ જણાતી ચીજવસ્તુઓના નમૂના એકત્ર કરવા માટે જિલ્લા કક્ષાની ફૂડ શાખાનો સંપર્ક સાધી સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ હાથ ધરવાની તજવીજ હાથ ધરાઈ છે.