પ્રાંત અધિકારીનો હુકમ રદ કરી 1952માં કૃષિપંચ અને સ્પેશિયલ મામલતદાર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રને આધારે નોંધ દાખલ કરવા હુકમમોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે ખેડૂતને બારખલીદાર કાયદા હેઠળ મળેલી જમીન દિવેલીયાની હોવાનો દાવો કરી જમીન પોતાના વડવાઓના નામે ચડાવવા અરજી કરનાર વાંધેદારોનો વિવાદ ફગાવી દઈ મોરબી જિલ્લા કલેક્ટરે મોરબી પ્રાંત અધિકારીના અગાઉના હુકમને રદ કરી અરજદારોની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપી કૃષિપંચ અને સ્પેશિયલ મામલતદાર મોરબીના પ્રમાણપત્ર મુજબ રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડવા હુકમ કર્યો છે.આ કેસની વિગત જોઈએ તો મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલી રેવન્યુ સર્વે નં. ૨૫૫ પૈકી ૧ અને સર્વે નં. ૫૦૯ ની ખેતીની જમીન વલમજીભાઈ જાદવજીભાઈ કાચરોલાના નામે ચાલતી હોય તેમને પોતાની હયાતીમાં વરસદારોના નામ દાખલ કરવા હકક કાર્યવાહી કરતા હક્ક પત્રકે નોંધ નંબર ૬૭૯૧થી તા.૨૭/૫/૨૦૨૬થી નોંધ દાખલ કરવામાં આવી હતી જેની સામે જલ્પેશગીરી મનહરગીરી ગૌસ્વામીએ વાંધો લેતા નોંધ તકરારી બની હતી અને નાયબ કલેક્ટર, મોરબી પ્રાંત દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૬ ના હુકમથી આ નોંધ નામંજૂર કરવામાં આવી હતી. નાયબ કલેકટરના હુકમ સામે અરજદારોએ કલેક્ટર સ્વપ્નિલ ખરેની કોર્ટમાં રીવિઝન અપીલ દાખલ કરી હતી. કલેક્ટર કોર્ટે તમામ પુરાવાઓ, જૂના ૭/૧૨ ના પાનાઓ તથા બારખલી કેસોની વિગતો ચકાસી ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, અરજદારના વડવાઓ વર્ષ ૧૯૬૯ થી આ જમીન ખેડતા આવ્યા છે અને કાયમી કબજા હકક ધરાવે છે. કલેક્ટરે તેમના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે નાયબ કલેક્ટરનો અગાઉનો હુકમ ગેરવ્યાજબી હતો અને બારખલી કેસ નં. ૨૭૦ તથા ૩૮૩ મુજબ અરજદારના વડવા ચતુર રવજીને આપવામાં આવેલ કાયમી કબજા હકક પ્રમાણપત્ર મુજબની નોંધ ગામ નમૂના નં. ૬ માં પ્રમાણિત કરવી જરૂરી છે. આ ચુકાદાથી ૭૪ વર્ષ જુના કબજા પરમાણપત્રના આધારને માન્યતા મળતા અરજદાર પરિવારને મોટી રાહત મળી છે.મહત્વનું છે કે, આ જમીન વિવાદ કેસમાં તકરાર લેનાર જલ્પેશગીરી ગૌસ્વામી દ્વારા નાની વાવડી રેવન્યુ સર્વે નંબર ૫૦૯ની જમીન તેમના વડવાઓની માલિકીની અને શિવમંદિરના દિવેલીયા માટેની જમીન હોવાનો દાવો કરી દલીલ કરી હતી કે,તેમના પૂર્વજ મંદિરની સેવા પૂજા અને ભિક્ષાવૃત્તિ કરતા હતા અને આ જમીનમાં ખેતમજૂર તરીકે ચતુર રવજીને કામે રાખ્યા હતા જેના બદલામાં તેમને રોકડ કે, અન્ય વસ્તુઓ આપવામાં આવતી હતી.જેથી ચતુર રવજીને ગણોતિયા ગણી શકાય નહીં, જમીન પ્રમોલગેશનથી જ મંદિરના પૂજારી કાળુગર દેવગર વિગેરે ત્રણ નામે આવેલ હતી.અને આજની તારીખે પણ પ્રમોલગેશન નોંધ અમલી હોવાનું અને તેને રદ કરવામાં આવી ન હોય એ ધર્મદાની દિવેલીયાની જમીન ખાનગી નામે ચડાવી ન શકાય તેવી દલીલો કરી હતી.જો કે, કેસમાં કાચરોલા પરિવાર વતી એડવોકેટ ધર્મેન્દ્રભાઈ એન.બારેજીયા દ્વારા બારખલીદાર કાયદાની કલમો અન્વયે વિસ્તૃત અને છણાવટ પૂર્વકની દલીલો કરતા જિલ્લા કલેકટર દ્વારા દલીલો ગ્રાહ્ય રાખી 12 પેઇજનો મહત્વનો ચુકાદો આપી જમીન દિવેલીયા પ્રકારની હોવાનો દાવો ફગાવી દીધો હતો.બારખલી કાયદો શું છે?દેશમાં સ્વાતંત્ર્ય પૂર્વે અને તે પછી સૌરાષ્ટ્ર વિસ્તારમાં જમીનદારી અને બારખલી પદ્ધતિ પ્રવર્તતી હતી, જેમાં ગણોતિયાઓ શોષણનો ભોગ બનતા હતા. આ પ્રથા નાબૂદ કરવા માટે સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી અધિનિયમ, ૧૯૫૧ ઘડવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ જમીન ખેડતા વાસ્તવિક ગણોતિયાઓને વિશેષ પ્રક્રિયા અને સ્પેશિયલ મામલતદાર સમક્ષ અરજી કરી કાયમી કબજા હકકનું પ્રમાણપત્ર મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો જમીનના કાયદેસરના માલિક બની શકે.આ કેસમાં પણ અરજદાર વલમજી જાદવજી કાચરોલાના વડવાઓએ સ્પેશિયલ મામલતદાર સમક્ષ જમીન ખેડતા હોવાના પુરાવાઓ રજૂ કરી કબજા પ્રમાણપત્ર મેળવ્યા હતા.