કાયાજી પ્લોટમાં 3 માળનો કોમ્યુનિટી હોલ બનશે : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયોમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાને લગતા કુલ ૨૦ જેટલા એજન્ડાઓ પર ચર્ચા વિચારણા કરીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને તાજેતરમાં પૂરા થયેલા ચોમાસા દરમિયાન શહેરમાં બિસ્માર બનેલા રસ્તાઓ અંગે બેઠકમાં ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય ૮ રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિસરફેસિંગ કરવાનું નક્કી કરાયું છે. જેમાં મયુર બ્રિજથી શનાળા ભક્તિનગર સર્કલ, ચિત્રકૂટ ટોકીઝથી કમિશનર બંગલા, મહારાણા પ્રતાપથી ત્રાજપર ચોકડી, સરદાર પટેલ સ્ટેચ્યુથી રવાપર રોડ અને સુધીના મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, કાયાજી પ્લોટ વિસ્તાર આવેલી કોમ્યુનિટી હોલ પાસેની ખુલ્લી જગ્યામાં અત્યાધુનિક ત્રણ માળનો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. જેથી આજુબાજુની સોસાયટીના લોકોને સામાજિક પ્રસંગો માટે વ્યાજબી દરે સુવિધા મળી રહે. વધુમાં, પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે જે ખોદકામ કરવામાં આવ્યું હતું, તેનું સમારકામ કોર્પોરેશન દ્વારા કરી દેવાયું છે, જેનો ખર્ચ પીજીવીસીએલએ ચૂકવ્યો હતો તેનાથી વધી જતાં બાકી રકમ વસુલ કરવાનો ઠરાવ પણ મંજૂર કરાયો છે.અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી આપતા ચેરમેને ઉમેર્યું હતું કે, નગર દરવાજાથી દરબારગઢ સુધીના અર્બન ફેબ્રિક રિવાઈવલ અને હેરિટેજ પાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન જોયા બાદ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે મુજબની ડિઝાઇનમાં સુધારા સૂચવવામાં આવ્યા છે. શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાનગૃહના ઇલેક્ટ્રિક બિલ અને સ્ટાફના પગાર અંગે મહાપાલિકા દ્વારા તમામ સ્મશાનોનો સર્વે કરી સ્વભંડોળમાંથી યોગ્ય જોગવાઈ કરવાનું નક્કી કરાયું છે. તેમજ મહાપાલિકાના વિવિધ કાર્યક્રમો માટે ફૂડ અને મંડપ સર્વિસના નવા ટેન્ડરો મંજૂર કરાયા છે, જેમાં નવી એજન્સી દ્વારા ફૂડ ડીશનો ભાવ રૂ. ૫૫ થી ૧૮૫ વચ્ચે નક્કી થયો છે. પ્રોપર્ટી ટેક્સમાં ડબલ એન્ટ્રી રદ કરવા અંગે પણ મંજૂરી આપવામાં આવી છે. બાયોગેસ પ્લાન્ટના ટેન્ડર મુદ્દે કમિટીના સભ્યો સાઈટ વિઝિટ કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.કાયાજી પ્લોટ આસપાસના વિસ્તારોને મળશે કોમ્યુનિટી હોલનો ભાવકાયાજી પ્લોટ વિસ્તારમાં હાલ જે કોમ્યુનિટી હોલ છે તેની બાજુમાં આવેલી વિશાળ ખુલ્લી જગ્યાનો સદુપયોગ કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય લેવાયો છે. આ જગ્યામાં મહાનગરપાલિકા દ્વારા ત્રણ માળનો નવો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. આ હોલ બનવાથી આસપાસની તમામ સોસાયટીના લોકોને નજીવા ભાડે અને ઘરઆંગણે સારી સુવિધા ઉપલબ્ધ થશે.મચ્છર નિયંત્રણ માટે મહાપાલિકા જાતે જ મશીનો ખરીદશેશહેરમાં મચ્છર નિયંત્રણ માટે ફોગીંગ અને એન્ટી લાર્વલ કામગીરી માટે સર્વિસ કોન્ટ્રાક્ટ આપવાનો એજન્ડા હતો. પરંતુ એજન્સીઓ દ્વારા ભરાયેલા ભાવ અને કામગીરી અંગે અસંતોષ જણાતા કમિટીએ નિર્ણય લીધો છે કે કોન્ટ્રાક્ટ આપવાને બદલે મહાપાલિકા સ્વખર્ચે જ પોતાના સ્પેશિયલ મશીનો ખરીદશે, જેથી ભવિષ્યમાં કાયમી ધોરણે મચ્છર નિયંત્રણની કામગીરી સારી રીતે થઈ શકે.નવા ભળેલા 9 ગામોમાં બંધ પડેલા CCTV ફરી શરૂ કરાશેમોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવા ભળેલા ૯ ગ્રામ્ય વિસ્તારો (જૂની ગ્રામ પંચાયતો) માં અગાઉ પંચાયત દ્વારા લગાવવામાં આવેલા CCTV કેમેરાઓ હાલ કોઈ કારણોસર બંધ હાલતમાં છે. અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલા આ મુદ્દાને મંજૂરી આપીને તમામ બંધ કેમેરાઓનું રિપેરિંગ કરી સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.ગ્રીન ટાવરના રિનોવેશન અંગે પ્રેઝન્ટેશન બાદ નિર્ણય લેવાશેશહેરની શાન સમાન ગ્રીન ટાવરના હેરિટેજ રિસ્ટોરેશનનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે દિવાળી નિમિત્તે ત્યાં માત્ર રોશની કરવામાં આવી રહી છે. તેના સ્ટ્રક્ચરલ રિનોવેશન અને નવીનીકરણની ડિઝાઇન માટે અગાઉના સમયમાં જે કામગીરી થઈ હતી તેની સમીક્ષા કરવામાં આવશે અને નવું પ્રેઝન્ટેશન જોયા બાદ જ કમિટી આગળનો નિર્ણય લેશે.