હિરાપર ગામ પાસે અજાણ્યા કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ટંકારા (મોરબી અપડેટ): ટંકારા-લતીપર રોડ પર હિરાપર ગામ પાસે એક અજાણ્યા કાર ચાલકે છ સવારી બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર 2 વર્ષના માસૂમ બાળક પર કારનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક સવાર અન્ય પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા રહેતા સંજુ ઉર્ફે વિજય વેસ્તાભાઈ પચાયા (ઉ.વ. 30) કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 17/10/2026 ના રોજ સાંજના 6:30 વાગ્યા આસપાસ તેઓ સરાયા ગામેથી કડિયાકામ પૂર્ણ કરી પોતાના મોટરસાયકલ (GJ-33-E-7973) પર પત્ની સુમીત્રા, પુત્રી રવીના (4 વર્ષ), પુત્ર કાર્તિક (2 વર્ષ) તેમજ તેમની સાથે કામ કરતા સેજલબેન અને તેમના પુત્ર આર્યન (1 વર્ષ) એમ કુલ 6 લોકો સાથે ટંકારા પરત ફરી રહ્યા હતા.બાઈક લઈને તેઓ ટંકારા-લતીપર રોડ પર હિરાપર ગામના પાટીયાથી આશરે દોઢ કિલોમીટર દૂર મોટી કેનાલ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી આવતી એક અજાણી ફોર વ્હીલ કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ તમામ લોકો રોડ પર ફંગોળાયા હતા. દુર્ઘટનામાં માસૂમ કાર્તિકના માથા પરથી કારનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજુભાઈ, તેમની પત્ની, પુત્રી, સેજલબેન અને તેમના પુત્ર આર્યનને શરીરે છોલાણ અને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ટંકારા બાજુ નાસી છૂટ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #LatiparRoad #Hirapar #AccidentNews #CrimeNews #HitAndRun #TankaraPolice