ઓણસાલ સમગ્ર રાજ્યમાં લીંબુનું ઉત્પાદન ઘટ્યું હોવા છતાં ચુપણી અને શિવપુરના ખેડૂતો કરે છે દૈનિક 1600 મણ લીંબુની નિકાસઉત્તમ ક્વોલિટીના લીંબુના ખેડૂતોને નિપજતા રૂ.2400થી 2500 કરતા પણ વધુ ભાવમોરબી : સિરામિક ઉદ્યોગ થકી જગત આખામાં ડંકો વગાડનાર મોરબી જિલ્લો હાલમાં સમગ્ર દેશમાં લીંબુની અછત વચ્ચે પણ દૈનિક 1600 મણ એટલે કે, 32000 કિલો લીંબુ નિકાસ કરી રહ્યા છે. ખાસ કરીને લીંબુનું હબ ગણાતા હળવદ તાલુકાના ચુપણી અને શિવપુર ગામના ખેડૂતોના લીંબુની દેશની રાજધાની દિલ્હીમાં વિશેષ ડિમાન્ડ છે જેથી એકલા દિલ્હી ખાતે જ 800 મણ લીંબુ પહોંચી રહ્યા છે.ઉપરાંત અમદાવાદ, રાજકોટ સહિતના મોટા માર્કેટિંગ યાર્ડમાં પણ હળવદ પંથકના લીંબુની ખટાશની બોલબાલા છે.મોરબી જિલ્લામાં નર્મદા કેનાલનો લાભ મળ્યા બાદ ખેડૂતોના ભાગ્ય ખુલ્યા છે.ખાસ કરીને હળવદ તાલુકામાં નર્મદા કેનાલની વિશેષ સવલતને કારણે ખેડૂતો પરંપરાગત ખેતી ઉપરાંત બાગાયતી ખેતી તરફ વળ્યાં હોવાથી અહીં સરગવો, લીંબુ, કેરી, દાડમ સહિતના બાગાયતી પાકોના વાવેતર કરી મબલખ કમાણી કરી રહ્યા છે. જેમાં હળવદ તાલુકાના શિવપુર અને ચુપણી ગામમાં મોટાભાગના ખેડૂતો લીંબુનું મોટા પ્રમાણમાં વાવેતર કરી સ્થાનિક માર્કેટને બદલે દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ જેવા શહેરોમાં પોતાની ઉચ્ચ ગુણવત્તાના લીંબુ નિકાસ કરી મનપસંદ ભાવે પોતાના ખેત ઉત્પાદન વેચી કમાણી કરી રહ્યા છે.ચુપણી ગામના અગ્રણી લીંબુ ઉત્પાદક ભીમાભાઈ કહે છે કે, ઓણસાલ અનિયમિત ચોમાસા ઉપરાંત ગરમીના દિવસો વધુ હોવાથી લીંબુનું ઉત્પાદન ઘટ્યું છે. આમ છતાં પણ હાલમાં ચુપણી અને શિવપુર ગામના ખેડૂતો દૈનિક 800 મણ લીંબુ એકલા દિલ્હી માર્કેટિંગ યાર્ડ તેમજ 400 મણથી વધુ અમદાવાદ અને 400 મણ જેટલા લીંબુ રાજકોટ સહિતના યાર્ડમાં મોકલી રહ્યા છે. વધુમાં તેઓ ઉમેરે છે કે, હળવદ પંથકના લીંબુની ક્વોલિટી ખૂબ સારી હોવાની સાથે લીંબુ રસાદાર હોવાથી ખેડૂતોને ઘરબેઠા અંદાજે 2400થી 2500 રૂપિયા પ્રતિમણના ભાવે લીંબુના ભાવ મળી રહ્યા છે. આમ મોરબી જિલ્લામાં હાલમાં લીંબુના ઓછા ફાલ છતાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોય ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.