5 કેન્દ્રો મોરબી વિસ્તારમાં અને 3 કેન્દ્રો વાંકાનેર વિસ્તારમાં : અહીંથી દરરોજ શ્રમિકોને 5 રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ ટીફીનમાં ભરી અપાઈ છે, દર સપ્તાહમાં એકવાર સુખડી પણ પીરસાય છે મોરબી અપડેટ : મોરબી જિલ્લામાં બાંધકામ અને અન્ય મજૂરી સાથે સંકળાયેલા શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 8 કેન્દ્રો કાર્યરત છે. જ્યાંથી માત્ર રૂ.5માં ભોજન પીરસવામાં આવે છે. દરરોજ સરેરાશ 500 જેટલા શ્રમિકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. હજુ પણ વધુમાં વધુ શ્રમિકો યોજનાનો લાભ લ્યે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવે છે. બોર્ડના નિરીક્ષક મિતેષ જોશીના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં અત્યાર સુધી 6 કેન્દ્રો કાર્યરત હતા, જ્યાં 3,13,472 જેટલા ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. હવે વધુ 2 નવા કેન્દ્રો ત્રાજપર ચોકડી અને રફાળીયા ચોકડી ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ 8 ભોજન કેન્દ્રો કાર્યરત થઈ ગયા છે. જૂના 6 કેન્દ્રોમાં મોરબીના ગાંધી ચોક કડીયાનાકું, ઉમિયા સર્કલ કડીયાનાકું, જેલ ચોક શ્રમિક વસાહત તેમજ વાંકાનેરના રાજા વડલા રોડ, નવા પરા શ્રમિક વસાહત અને રાતીદેવડી રોડનો સમાવેશ થાય છે.આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. આ ભોજનમાં 5 રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ આપવામાં આવે છે. આ ઉપરાંત, દર સપ્તાહમાં એકવાર શ્રમિકોને મીઠાઈમાં સુખડી પણ પીરસવામાં આવે છે. શ્રમિકો પોતાના કામ પર જતા પહેલા સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં પોતાનું ટિફિન ભરાવીને સીધા કારખાને અથવા કામના સ્થળે જઈ શકે છે.યોજનાનો લાભ લેવા શ્રમિક કાર્ડ હોવું જરૂરી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે શ્રમિક કાર્ડ હોવું આવશ્યક છે. જેલ ચોક ખાતે આવેલી કચેરી અથવા ધન્વંતરી રથ મારફતે શ્રમિકો ઓનલાઈન પોતાનું કાર્ડ કઢાવી શકે છે. કડિયા, ફર્નિચર વર્ક, લોખંડનું વર્ક અને ઇલેક્ટ્રિશિયન સહિતના બાંધકામ ક્ષેત્રના તમામ મજૂરો આ કાર્ડ માટે લાયક ગણાય છે.દર અમાસના દિવસે ભોજન કેન્દ્રોમાં રજા રહેશે શ્રમજીવી વર્ગ માટે ચાલતા આ ભોજન વિતરણ કેન્દ્રોના સમયપત્રકમાં રજા માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. બાંધકામ શ્રમયોગીઓ સામાન્ય રીતે અમાસના દિવસે કામકાજમાંથી રજા રાખતા હોય છે. શ્રમિકોની આ પ્રથાને ધ્યાનમાં રાખીને અન્નપૂર્ણા યોજનાના તમામ કેન્દ્રો પર પણ દર મહિને માત્ર અમાસના દિવસે જ રજા રાખવામાં આવે છે. બાકીના તમામ દિવસોમાં અવિરતપણે સવારના સમયે ભોજન વિતરણની કામગીરી ચાલુ રહે છે.#Morbi #ShramikAnnapurnaYojana #MorbiNews #GujaratGovernment #LaborWelfare