97 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા : રવિવારે સવારે મોરબી ન્યુ પેલેસ ખાતે અંતિમદર્શન બાદ મોરબીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે મોરબી : દેશમાં આઝાદી બાદ પણ જેમની દીર્ઘદ્રષ્ટિના આજે પણ વખાણ થાય છે તેવા સૌરાષ્ટ્રના ઐતિહાસિક હાલાર પ્રદેશના સમૃદ્ધ રજવાડા મયુરનગરી એટલે કે,મોરબીના રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબે મુંબઈ ખાતે 97 વર્ષની વયે અંતિમશ્વાસ લેતા રાજવી પરિવાર સહિત સમગ મોરબીમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. મોરબીના મહારાણી સાહેબની અંતિમવિધિ માદરેવતન મોરબી ખાતે રવિવારે કરવામાં આવશે. જેમાં સવારે 7.30થી 10 વાગ્યા સુધી મોરબી ન્યુ પેલેસ ખાતે તેમના પાર્થિવદેહને અંતિમદર્શન માટે રાખવામાં આવશે બાદમાં રાજવી પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.મોરબીના મહારાજા મહેન્દ્રસિંહજીના પત્ની અને મયૂરધ્વજસિંહજીના માતા વિજયાકુંવરબા રાજવી પરિવાર અને મોરબીના રાજમાતા સાહેબ તરીકે ઓળખાતા હતા. રાજવી પરિવાર મોરબી તેમજ મુંબઈ ખાતે વસવાટ કરે છે જેમાં મુંબઇ ખાતે 97 વર્ષની ઉંમરે રાજમાતા વિજયાકુંવરબાએ અંતિમ શ્વાસ લેતા તેમના પાર્થિવદેહને મોરબી ખાતે આજે સાંજે ચાર્ટર પ્લેન મારફતે લાવવામાં આવી રહ્યો છે. બાદમાં ન્યુ પેલેસ ખાતેથી રાજમાતાની અંતિમયાત્રા નીકળશે જે બાપુના બાવલા, મયુર પુલ પર થઈ લખધીરસિંહજી બાવલા થઇ વિસીપરા ફાટક પાસેથી વિસીપરા સ્મશાન ખાતે આવેલ રાજવી પરિવારના સમાધિસ્થળ ખાતે પહોંચશે. જ્યાં રાજમાતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં રાજવી પરિવારે પ્રજાને આઝાદી પહેલા જ આધુનિક રેલવે લાઇન, પાકા રસ્તાઓ, અને ટેલિગ્રાફ, ટ્રામ જેવી સુવિધાઓ પણ આપી દીર્ઘદ્રષ્ટિનું ઉદાહરણ પૂરું પડ્યું હતું. રાજમાતાના દેહાવસાન બાદ હાલ મોરબીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.