બાકી વેતન, ભથ્થાં અને નિમણૂકમાં ગેરરીતિ સહિતના જૂના પ્રશ્નોની લેખિત રજૂઆત કરવા ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક મળશેમોરબી અપડેટ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લાના તમામ યોગ કોચ અને ટ્રેનર્સના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આગામી તા. 19 ઓક્ટોબર 2026, ને સોમવારના રોજ સવારે 11:00 વાગ્યે ગાંધીનગર ખાતે ચેરમેન શીશપાલ રાજપુતની અધ્યક્ષતામાં એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.આ મીટિંગ અંગે અગાઉ સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને ઝોનલ કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી દ્વારા ઓનલાઇન મીટિંગ યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કોઈ કારણોસર સંપર્કમાં ન હોય તેવા મોરબી જિલ્લાના તમામ કોચ અને ટ્રેનર્સને પણ આ મીટિંગમાં સમયસર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવા પૂર્વ મોરબી જિલ્લા કોર કમિટી મેમ્બર અને યોગ ટ્રેનર મયુર કારીયાની યાદીમાં જણાવાયું છે.આ ખાસ બોલાવાયેલી મીટિંગમાં યોગ કોચ અને ટ્રેનર્સના અનેક પડતર પ્રશ્નો પર ચર્ચા અને રજૂઆત થશે. જેમાં બાકી માનદ વેતન, કાર્યક્રમોના બિલ, ટ્રાવેલિંગ ભથ્થું, કોચ કે કો-ઓર્ડીનેટરની નિમણૂકમાં ગેરરીતિ, સમર કેમ્પ ફાળવણીમાં ભેદભાવ અથવા જૂના કોઈ જવાબદાર વ્યક્તિ સામેની ફરિયાદ કે સૂચનો અંગે રૂબરૂમાં લેખિત રજૂઆત કરી શકાશે.ઝોનલ કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણીની યાદી અનુસાર, મોરબી જિલ્લાના દરેક કોચને તેમની ટ્રેનર્સની ટીમ સાથે આ મીટિંગમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. યોગ બોર્ડની કામગીરીને વધુ સુદ્રઢ અને સફળ બનાવવા માટે યોજાઈ રહેલી આ બેઠકમાં દરેક યોગ ટ્રેનર અને કોચની હાજરી અનિવાર્ય છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratStateYogaBoard #YogaTrainers #Gandhinagar #Meeting