જાગૃત નાગરિક દ્વારા વેચાણ નોંધ સામે વાંધો ઉઠાવતા નાયબ કલેક્ટરે વેચાણ નોંધ રદ કરી : અગાઉની ગેરકાયદેસર નોંધો રિવિઝનમાં લેવા આદેશ.મોરબી : મોરબી જિલ્લામાં જમીન કૌભાંડી તત્વો દ્વારા અવનવા કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના રવાપર નદી ગામમાં આવેલી ઠાકર મંદિરની ધર્માદાની દિવેલિયાની જમીનમાં વારસાઈ નોંધ કરાવી લેવામાં આવ્યા બાદ આ કરોડોની કિંમતી જમીન બારોબાર વેચી મારવા દસ્તાવેજની નોંધણી કરાવી નોંધ પાડવાની પેરવી કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા વેચાણ નોંધ સામે વાંધો ઉઠાવવામાં આવતા તકરારી કેસ ચાલી જતા મોરબીના નાયબ કલેક્ટરે ધર્માદાની જમીનના ગેરકાયદેસર વેચાણ અંગેની કાચી નોંધ રદ કરવા હુકમ કરી અગાઉ પડેલી તમામ નોંધ રીવીઝનમાં લેવા આદેશ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રવાપર નદી ગામના રેવન્યુ સર્વે નં. ૨૦ પૈકી ૨ ની હે. ૨-૦૮-૪૧ ખેતીની જમીન રેકર્ડ પર જગદીશભાઈ મણીરામ રામાવતના નામે ચાલતી હતી. તેમણે ગત ૧૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ આ જમીન નીતિશભાઈ ત્રિભોવનભાઈ પાંચોટીયા અને હસમુખભાઈ શીવાભાઈ પાંચોટીયાને રજિસ્ટર્ડ દસ્તાવેજ નંબર ૧૩૩૫૨/૨૦૨૬ થી અઘાટ વેચાણ આપી હતી. આ વેચાણ અંગે ગામ દફતરે કાચી નોંધ નં. ૪૦૫૭ દાખલ કરવામાં આવી હતી. આ નોંધ સામે જાગૃત નાગરિક એવા અરજદાર મેહુલકુમાર લાભુભાઈ ખાત્રાએ વાંધો ઉઠાવતા રજૂઆત કરી હતી કે આ જમીન રવાપર નદી ગામના ઠાકર મંદિરનું 'દિવેલીયુ' એટલે કે, મંદિરના નિભાવ માટે ધર્માદામાં આપવામાં આવેલ મિલકત છે, જે માત્ર મંદિરમાં પૂજા-સેવા કરતા પરિવારના પોષણ માટે અપાયેલી છે, તેથી તેને વેચી શકાય નહીં. આ તકરારી કેસમાં બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ તપાસ્યા બાદ નાયબ કલેક્ટરે નોંધ્યું હતું કે જમીનના મૂળ માપણી રજિસ્ટર અને ટિપ્પણમાં આ જમીનનો પ્રકાર સ્પષ્ટપણે 'દિવેલીયુ-ધર્માદા' તરીકે દર્શાવેલ છે. સરકારના મહેસૂલ વિભાગના ૯/૪/૨૦૧૦ ના પરિપત્ર મુજબ ધાર્મિક કે સખાવતી સંસ્થાની જમીનના કબજેદાર તરીકે સંસ્થા જ ગણાય છે. મંદિરના પૂજારીને વ્યક્તિગત હેસિયતથી ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત થતો નથી કે આવી જમીન વેચવાનો, ગીરો મૂકવાનો કે બક્ષીસ આપવાનો કોઈ અધિકાર મળતો નથી. આ નિયમો અને મૂળ રેકોર્ડને આધારે નાયબ કલેક્ટરે વેચાણ અંગેની નોંધ નં. ૪૦૫૭ 'નામંજૂર' કરવાનો હુકમ કરવાની સાથે ભૂતકાળમાં આ જમીન પર ખોટી રીતે દાખલ થયેલી નોંધ નં. ૧૦૫૧, ૧૫૦૧, ૩૯૯૮ અને ૪૦૩૯ પણ સરકારના ઠરાવની જોગવાઈઓ વિરુદ્ધ જણાતી હોવાથી, તેને રિવિઝનમાં લેવા માટે મામલતદારને સાધનિક કાગળો સાથે કલેક્ટર સમક્ષ દરખાસ્ત મોકલવા સૂચના આપવામાં આવી છે.