રફાળેશ્વર જીઆઇડીસીના ગોડાઉનમાં વીજ કનેક્શન ન હોવા છતાં આગ લાગવા પાછળ ફ્યુમીગેશન જવાબદાર હોવાનું તારણમોરબી : મોરબી નજીક રફાળેશ્વર જીઆઇડીસીમાં ગત જુલાઈ માસમાં નાફેડની ટેકના ભાવે ખરીદેલી મગફળીના રાખેલા ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં રૂ. 40 કરોડથી વધુની કિંમતની 1.59 લાખ બોરી મગફળી સળગી જવા પ્રકરણમાં તપાસના અંતે પણ આગ કેમ લાગી તેનો ભેદ ઉકેલાયો ન હોવાનું સ્પષ્ટ બન્યું છે. આ ઘટનામાં એફએસએલ રિપોર્ટમાં પણ લાઈટ કનેક્શન વગરના ગોડાઉનમાં આગ લાગવા અંગેનું કોઈ નક્કર કારણ સામે ન આવતા ફ્યુમીગેશન એટલે કે, દવા છંટકાવના ગેસને કારણે આગ લાગ્યના અનુમાન સાથે તપાસ પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે.મોરબી રફાળેશ્વર જીઆઈડીસીમાં જુલાઈ મહિનામાં આગ લાગવાની ઘટના બાદ ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન મેનેજર એચ. જી. રાઠોડે જાહેર કર્યું હતું કે, ગોડાઉનમાં નાફેડની ટેકના ભાવે ખરીદ કરવામાં આવેલ મગફળીની 1,59,000 બોરીઓ રાખવામાં આવી હતી. જેમાં આગ લાગતા અંદાજે 40,41,85,950 એટલે કે, અંકે રૂપિયા 40 કરોડ 41 લાખ, 85 હજાર, 950ની કિંમતની મગફળી આગમાં ખાખ થઈ ગઇ હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ આગનું સાચું કારણ જાણવા એફએસએલ તપાસ કરવામાં આવી હતી.જેમાં પણ કોઈ નક્કર કારણો સામે આવ્યા ન હોવાનું તપાસનીશ મોરબી તાલુકા પીઆઈ ઘેટિયાએ જણાવ્યું હતું.એફએસએલની તપાસમાં ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળી બગડે નહી તે માટે કરવામાં આવેલ ફ્યુમિગેશન એટલે કે, દવા છાંટવાની પ્રક્રિયા આગ માટે જવાબદાર હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે ખરીદવામાં આવેલ મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકયા બાદ આ ભીષણ આગ બુઝાવવા માટે મોરબી ફાયર બ્રિગેડની 4 ગાડી,રાજકોટની 2 અને વાંકાનેરની 1 એમ કુલ મળી 7 ફાયર ટિમોએ સતત પાણીનો મારો ચલાવી વિકરાળ આગને કાબુમાં લીધી હતી. જો કે, રૂપિયા 40.41 કરોડની કિંમતની મોટાભાગની મગફળી આગમાં સ્વાહા થઈ જવા છતાં નાફેડ દ્વારા ગોડાઉનનો વીમો લેવામાં આવ્યો હોય મોટી નુક્શાનીથી નાફેડ બચી ગયું હોવાનું પણ નાફેડના સૂત્રો જણાવી રહ્યા છે. મહત્વનું છે કે, મોરબી ખાતે આવેલ ગોડાઉનમાં મોરબી ઉપરાંત રાજકોટ,પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાંથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલ મગફળી પણ સંગ્રહીત કરવામાં આવી હતી.મોરબી ફાયર બ્રિગેડે આગ બુઝાવવાના 4.62 લાખ વસુલ્યામોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ નાફેડના મગફળીના ગોડાઉનમાં આગની ઘટનામાં મોરબી ફાયર બ્રિગેડે વિકરાળ આગની સ્થિતિમાં મેજર કોલ જાહેર કરી રાજકોટ અને વાંકાનેર ફાયર બ્રિગેડની મદદ લઇ આગ બુઝાવી હતી.આગ બુઝાઈ ગયા બાદ મોરબી ફાયર બ્રિગેડે એક અઠવાડિયાથી વધુ સમય કુલિંગ પ્રોસેસ ચાલુ રાખી હોય આગ બુઝાવવા માટે નાફેડ પાસેથી કુલ રૂ.4,62,750ની વસુલાત કરી હતી. મોરબી ફાયર બ્રિગેડ દ્વારા મગફળીની આગ બુઝાવવા માટે તા.4 જુલાઈથી 12 જુલાઈ સુધી 9 દિવસની કામગીરી માટે આ ચાર્જ વસુલ્યો હતો.