વીજ પોલ, પાક વીમો, દુષ્કાળ જાહેર કરવા અને પશુપાલકોને ઘાસચારો આપવા જેવા સળગતા પ્રશ્નો મુદ્દે રણશિંગુ ફૂંકાશે; રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ સામે સાંજે 4 વાગ્યે મળશે સભામોરબી અપડેટ: ખેડૂતોના પડતર પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તા. 22/10/2026 ના રોજ મોરબીમાં 'ખેડૂત આક્રોશ મહાસભા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ સામે સાંજે 4:00 વાગ્યે આ મહાસભા યોજાશે, જેમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે.આ અંગે કોંગ્રેસના નેતા લલિત વસોયાએ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને મહાસભામાં ઉમટી પડવા આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું છે અને જેતપુરના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે તેને વેગવંતુ બનાવવા અને સમર્થન આપવા આ સભા મળશે. આ ઉપરાંત જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના 40 થી વધુ તાલુકાઓમાં અપૂરતો વરસાદ નોંધાયો છે, ત્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી માંગ ઉઠાવવામાં આવશે.વધુમાં લલિત વસોયાએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં પાક વીમા યોજના ચાલુ છે પરંતુ ગુજરાત સરકારે આ યોજના બંધ કરી દીધી છે. દુષ્કાળના આ વર્ષમાં જો પાક વીમા યોજના ચાલુ હોત તો ખેડૂતોને લાભ મળત, તેથી ખેડૂતોને પાક વીમાનો લાભ આપવામાં આવે તેવી માંગ બુલંદ કરાશે. સાથે જ સૌરાષ્ટ્રમાં પશુપાલકોને ઘાસચારાની ભારે તકલીફ છે, તેથી માલધારીઓ અને પશુપાલકોને રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવશે.અંતમાં તેમણે તમામ સમાજના ખેડૂતોને અપીલ કરી છે કે જ્ઞાતિવાદ અને રાજકીય વાડાઓથી ઉપર ઊઠીને, માત્ર એક 'ખેડૂત' બનીને એકજૂટ થાઓ. ખેડૂતોના અવાજને બુલંદ કરવા અને હક માટે લડવા આ 'ખેડૂત આક્રોશ મહાસભા'માં મોટી સંખ્યામાં જોડાવા સૌને આમંત્રણ પાઠવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #KhedutAakroshMahasabha #Congress #LalitVasoya #FarmersProtest #GujaratFarmers