રોડ, ગટર, પાણી, સફાઈ સહિતના પ્રશ્નોએ પ્રજા પીડાઈ રહી છે અને મહાપાલિકા નામો આપવામાં મશગુલ : આજે મળનારી સામાન્ય સભાના એજન્ડામાં પણ નામકરણનો મુદ્દો જ સમાવાયોમોરબી અપડેટ : મોરબી શહેરના પ્રાણપ્રશ્નો અને વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવાને બદલે મહાનગરપાલિકાનું તંત્ર માત્ર ઔપચારિકતાઓ અને નામકરણના એજન્ડા પૂરતી જ સામાન્ય સભાઓ બોલાવતું હોવાનો ઘાટ સર્જાયો છે. આજે યોજાનાર સામાન્ય સભામાં ફરી એકવાર માર્ગ અને સર્કલના નામકરણના મુદ્દાઓને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. વારંવાર મળતી બોર્ડ બેઠકોમાં નક્કર લોકસુવિધા કે વિકાસના કામોની ચર્ચા થવાને બદલે માત્ર નામકરણ કરવા પૂરતી જ બેઠકો યોજાતી હોવાથી શહેરીજનોમાં કચવાટ ફેલાયો છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ગુરુવારે સવારે ૧૧:૦૦ કલાકે મુખ્ય કચેરીના બીજા માળે આવેલા મિટિંગ હૉલમાં યોજાનાર છે. આ બેઠકમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત મુખ્યત્વે બે મહત્વના સ્થળોના નામકરણની દરખાસ્તો મૂકવામાં આવી છે. જેમાં ન્યુ હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને વિસ્તારના સેવક “સ્વ. પરબતભાઈ રબારી માર્ગ” અને લીલાપર ચોકડી પાસે આવેલા સર્કલનું નામકરણ કરી ભારતીય સૈન્યના ભોમિયા “રણછોડદાસ પગી” નામ આપવા બાબતે વિચારણા કરી મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જોકે, ઓક્ટોબર મહિનામાં યોજાઈ રહેલી આ સામાન્ય સભાના એજન્ડાને લઈને શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. અગાઉ યોજાયેલી સામાન્ય સભામાં પણ ત્રણથી ચાર જેટલા સ્થળોના નામકરણ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ગત તારીખ ૨ ઓક્ટોબરે બોલાવાયેલું ખાસ બોર્ડ પણ માત્ર એક જ એજન્ડા સાથે માંડ પાંચ મિનિટમાં આટોપી લેવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરીથી બોલાવાયેલી બેઠકમાં પણ રસ્તા, સફાઈ કે પ્રાથમિક સુવિધાઓ જેવા પાયાના પ્રશ્નોને બદલે માત્ર નામકરણના મુદ્દાઓ જ આગળ ધરાતાં, મહાનગરપાલિકાનું બોર્ડ જાણે ફક્ત નામકરણ કરવા માટે જ મળતું હોય તેવા આક્ષેપો ઊઠી રહ્યા છે.