એક પક્ષે વગર કારણે ભાઈને ફડાકા મારવા મુદ્દે ઝઘડો થયાનું તો બીજા પક્ષે સીનસપાટા કરવા મુદ્દે ઝઘડો થયાનું કારણ દર્શાવી ફરિયાદ નોંધાવીમોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડના નાકા પાસે ગતરાત્રીના નજીવી બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો વચ્ચે બઘડાટી બોલી જતા છરી તેમજ પાઇપ ઉડયા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ દાખલ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડના નાકા પાસે નજીવી બાબતે સગીર અને મોટેરાઓ સામસામે આવી જતા ઝઘડો વકર્યો હતો.આ બનાવમાં અલ્પેશભાઈ મગનભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાના ભાઈ ચંદ્રકાંત સાથે સ્કૂલમાં ભણતો એક સગીર અવારનવાર હેરાનગતિ કરતો હોવાની સાથે સગીર વયના નાના ભાઈને ફડાકા મારતો હોય ગતરાત્રે બોલાચાલી થતાં આરોપીઓ મીત, પાર્થરાજસિંહ ઝાલા અને ઉર્વરાજસિંહ ઝાલા તેમજ એક સગીર સહિતનાએ ભેગા મળી મુંઢમાર માર્યો હતો. તેમજ પાર્થરાજસિંહે ફરિયાદીના માથામાં લોખંડનો પાઇપ મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.સામાપક્ષે ઉર્વરાજસિંહ હકુભા ઝાલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના ભાણેજને આરોપી ચંદ્રકાન્ત, અન્ય શખ્સો હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સીન સપાટા કરતા હોવાથી તેમને ટપારતા બોલાચાલી થઈ હતી.બાદ મામલો થાળે પાડવા પહોંચતા આરોપી પરસોતમભાઈ અને સહિતનાએ છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી ઉર્વરાજસિંહને ડાબા હાથમાં કોણીથી ઉપરના ભાગે તેમજ અન્ય સાહેદોને પગના પંજા અને અંગૂઠાના ભાગે છરીની ઇજાઓ પહોંચી હતી. પોલીસે બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.