પોલીસે પંચાસર રોડ પર બંધ કારખાનામાં દરોડો પાડી 54 ગેસના બાટલા, વાહનો સહિત 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા : ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાયા, મુખ્ય સૂત્રધારની શોધખોળ : બે એજન્સીઓ બાટલા સપ્લાય કરતી હોવાનો ધડાકોમોરબી અપડેટ : મોરબીના પંચાસર રોડ પર આવેલા એક બંધ કારખાનામાં ગેરકાયદેસર રીતે ઘરેલુ વપરાશના ગેસના બાટલામાંથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા અન્ય બાટલામાં ગેસ રિફિલિંગ કરવાનું મસમોટું કૌભાંડ પકડાયું છે. પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ સ્થળેથી અલગ અલગ કંપનીના ડઝનબંધ ગેસના બાટલા, રિફિલિંગના સાધનો, વાહનો અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે સ્થળ પરથી ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ બે ગેસ એજન્સીઓ આ કારસ્તાન માટે બાટલા સપ્લાય કરતી હોવાનો પણ ધડાકો થયો છે.વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પંચાસર રોડ પર શિવમ હોલની પાછળ આવેલી શેરીમાં 'સાગર પ્લાસ્ટિક' નામના બંધ કારખાનામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ થતું હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડતાં ત્યાં ઇલેક્ટ્રિક મોટર અને પાઇપ દ્વારા ઘરેલુ વપરાશના ઇન્ડેન ગેસના બાટલામાંથી રિલાયન્સ કંપનીના કોમર્શિયલ બાટલામાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે સ્થળ પરથી યશ મનોજભાઈ ચૌહાણ, અમીર મનોજભાઈ ચૌહાણ અને ધવલ મનોજભાઈ ચૌહાણ (રહે. ત્રણેય પારેખ શેરી, ગ્રીન ચોક, મોરબી) ને રંગેહાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, પ્રવીણ મનસુખભાઈ સારલા (રહે. યમુનાનગર, મોરબી) નામના શખ્સે આ કારખાનું ભાડે રાખીને તેના આ ત્રણ સાગરીતો મારફતે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતો હતો.પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ઇન્ડેન, એચપી, રિલાયન્સ, સુપરગેસ, એજીસ સહિતની અલગ અલગ કંપનીઓના ભરેલા અને ખાલી મળીને કુલ 54 જેટલા બાટલાઓ કબ્જે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર, નળી-નોઝલ, ઇલેક્ટ્રિક વજન કાંટો, છકડો રિક્ષા (GJ-03-V-5868), એક એક્ટિવા (GJ-36-AQ-5984), 3 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 8800 સહિત કુલ રૂપિયા 2,46,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી બી.એન.એસ. કલમ 110, 287, 288, 316(5) તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3, 4, 7 હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગ્રાહકો સાથે કરાતી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે અતિ જોખમી રીતે ગેસ કટીંગ કરતા હતા. ઘરેલુ વપરાશના પૂરા વજનના બાટલાઓમાંથી થોડો-થોડો ગેસ કાઢી લઈને તેને અન્ય કોમર્શિયલ બાટલામાં ભરવામાં આવતો હતો. ત્યારબાદ જે-તે ઘરેલુ બાટલાઓનું વજન ઘટાડી તેના પર પ્લાસ્ટિકનું કાગળનું સીલ મારી દઈ ગ્રાહકોને ઓછા વજનના બાટલા પધરાવી દઈને વિશ્વાસઘાત આચરવામાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.ગ્રાહકોના બિલ અને હિસાબના ચોપડાઓ કબ્જે લેવાયા પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી અન્ય સાધનસામગ્રીની સાથે કેટલાક દસ્તાવેજી પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. જેમાં અલગ-અલગ ગ્રાહકોના નામના 29 જેટલા બિલો અને ગેસ રિફિલિંગના કાળાબજારનો હિસાબ રાખેલા 2 ચોપડાઓ પોલીસને મળી આવ્યા હતા જેને જપ્ત કરવામાં આવ્યા છે. આ ચોપડાઓની ઊંડાણપૂર્વક તપાસ થતાં આ ગોરખધંધામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ચોંકાવનારી વિગતો બહાર આવવાની સંભાવના છે.બે સ્થાનિક ગેસ એજન્સીઓ બાટલા સપ્લાય કરતી હતીઆ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે મોટા પ્રમાણમાં ગેસના બાટલાઓ ક્યાંથી આવતા હતા તે અંગે પોલીસે ઝડપાયેલા ઇસમોની સઘન પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી પ્રવીણ સારલાના કહેવાથી ઇન્ડેન ગેસના બાટલા પારેખ ગેસ એજન્સીમાંથી તથા એચપી ગેસના બાટલા શ્રીનાથજી ગેસ એજન્સીમાંથી લાવવામાં આવતા હતા. આ ખુલાસા બાદ હવે સંબંધિત ગેસ એજન્સીઓના સંચાલકોની ભૂમિકા અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.