પગરખાં અને રમતગમતના સાધનો બનાવતા ઉદ્યોગ માટે પણ ખાસ યોજના : એમએસએમઇ ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવતી સરકારમોરબી : ગુજરાત સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી વિકસિત ગુજરાત ઉધોગ નીતિ અંતર્ગત મોરબી જિલ્લામાં માળીયા મિયાણા તાલુકામાં નવા ઉદ્યોગો સ્થપાઈ તે માટે એ કેટેગરીમાં સમાવેશ કરી 45 ટકા સબસીડી આપવાની જાહેરાત કરવાની સાથે જ જિલ્લામાં ડ્રોન, રોબોટ, રમકડા પગરખાં અને રમતગમતના સાધનો માટેના ઉદ્યોગો માટે 50 ટકા સબસીડી આપવાની યોજના જાહેર કરી છે.સિરામિક હબ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત મોરબી જિલ્લામાં હવે અન્ય આધુનિક અને રોજગારીલક્ષી ઉદ્યોગોનો પણ વ્યાપ વધે તે દિશામાં રાજ્ય સરકારે મહત્વનું કદમ ઉઠાવ્યું છે.વિકસિત ગુજરાત ઉદ્યોગ નીતિ હેઠળ સરકારે એમએસએમઇ ઉદ્યોગોને આકર્ષવા માટે લાલજાજમ બિછાવી છે. ખાસ કરીને ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને ડ્રોન અને રોબોટિક્સ જેવા હાઈટેક સેક્ટર, તેમજ વધુ માનવબળની જરૂર પડે તેવા રમકડાં, પગરખાં (ફૂટવેર) અને રમતગમતના સાધનો (સ્પોર્ટ્સ ગુડ્સ) બનાવતા ઉદ્યોગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ નવા સેક્ટરમાં રોકાણ કરનારા સાહસિકોને પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા મહત્તમ 50 ટકા જેટલી માતબર સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, માળીયા મિયાણા તાલુકાના ઔદ્યોગિક પછાતપણાને દૂર કરવા તેને 'એ' કેટેગરીમાં મુકીને ત્યાં સ્થપાતા નવા ઉદ્યોગોને 45 ટકા સબસીડીનો લાભ આપવામાં આવશે.મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી. પારેજીયાના જણાવ્યા મુજબ, નવી ઉદ્યોગ નીતિ અન્વયે ઉદ્યોગકારોને સબસીડી અને અન્ય લાભો મેળવવા માટે અરજી ફોર્મ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નવી નીતિના માળખા અનુસાર, રૂ. 125 કરોડ સુધીના રોકાણવાળા ઉદ્યોગો એમએસએમઇ કેટેગરીમાં આવે છે. વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી કક્ષાએથી રૂ. 125 કરોડ સુધીની મર્યાદામાં મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગોની મંજૂરીની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રૂ. 125 કરોડથી વધુનું રોકાણ ધરાવતા ઉદ્યોગોના કિસ્સામાં ગાંધીનગર ખાતે આવેલી ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા મંજૂરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સરકારની આ નવી અને આકર્ષક નીતિને પગલે મોરબી જિલ્લામાં સિરામિક સિવાયના નવા ઔદ્યોગિક એકમો સ્થપાવાની પ્રબળ શક્યતાઓ છે. જેનાથી સ્થાનિક કક્ષાએ હજારો નવી રોજગારીની તકો ઉભી થશે અને મોરબી જિલ્લો એક મલ્ટી-પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે નવી ઓળખ પ્રસ્થાપિત કરશે.