પંચાસર રોડ પર સાવરની પાળ ખાતે તળાવમાં રહેલા દબાણો દૂર કરવા 200 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 6 ટીમ, 10 જેસીબી, 4 હિતાચી અને 100 મજૂરો કામે લાગશેમોરબી અપડેટ : મોરબીના પંચાસર રોડ પર આવેલી સાવરની પાળ વિસ્તારમાં તળાવની જગ્યા પર ખડકાયેલા 187 જેટલા ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરવા માટે આજે સવારથી જ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ચોમાસા પૂર્વે અપાયેલી નોટિસો બાદ સ્થાનિક રહીશોની માંગણી મુજબ અપાયેલી બે મહિનાની મુદત પૂર્ણ થતાં મહાપાલિકા દ્વારા પોલીસ કાફલા અને વિશાળ મશીનરી સાથે માત્ર એક જ દિવસમાં તળાવની અંદરના તમામ કાચા-પાકા દબાણો હટાવીને જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવશે.પ્રાપ્ત વિગતો અનુસાર પંચાસર રોડ પર સાવરની પાળ પાસે તળાવની અંદરના ભાગમાં વર્ષો જુના મોટાપાયે બાંધકામો આવેલા છે. મહાપાલિકા તંત્ર દ્વારા અગાઉ પણ નોટિસો પાઠવીને ડિમોલિશન હાથ ધરવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ તે સમયે ચોમાસું શરૂ થઈ જતાં કામગીરી શક્ય બની ન હતી. તે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા બે મહિનાની મુદત માંગવામાં આવતા તંત્રએ સમય આપ્યો હતો. હવે મુદત પૂર્ણ થતાં તમામ 187 જેટલા મકાનધારકોને આખરી નોટિસ આપીને આજે ડીમોલેશન કરવાનું નક્કી કરાયું છે. લાંબા સમય બાદ મોરબીમાં આટલા મોટા પાયે ડિમોલિશન થવાનું હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.આજે સવારે 7:30 વાગ્યાથી મહાપાલિકાનો સમગ્ર કાફલો એકત્રિત થયો હતો અને 8 વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. સમગ્ર ઓપરેશન એક જ દિવસમાં પૂરું કરવા માટે 6 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં 40 જેટલા સભ્યો ફિલ્ડ પર હાજર રહેશે. આ ઉપરાંત 10 જેસીબી, 4 હિતાચી મશીન, 6 બ્રેકર, 10 ડમ્પર અને 100 જેટલા મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 200 જેટલા પોલીસ જવાનોનો સજ્જડ બંદોબસ્ત તૈનાત રહ્યો છે.