ટેક્સ અધિકારીઓ પાસેથી ધરપકડની સત્તા છીનવાશે, પ્રોસિક્યુશન લિમિટ 1 કરોડથી વધારી 5 કરોડ કરાશે : રજિસ્ટ્રેશન અને રિફંડ પ્રક્રિયા બનશે સુપરફાસ્ટ, 10,000 રૂપિયા સુધીના વિવાદોમાં નોટિસ નહીં : અગાઉ ITC નહોતી મળતી તેવી વસ્તુઓ પર પણ હવે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળવાની શક્યતા : ઈ-કોમર્સ, હોટલ, જિમ અને 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓને અપાશે રાહત મોરબી અપડેટ : આગામી 7 ઓક્ટોબરના રોજ મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં દેશભરના વેપારીઓને મોટી રાહત આપવા માટેના સુધારાઓ લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સિસ્ટમને પારદર્શક બનાવવા અને નાના-મોટા વેપારીઓ માટે નિયમો સરળ કરવા પર ભાર મૂકવામાં આવશે. ટેક્સ અધિકારીઓ પાસેથી ધરપકડ કરવાની સત્તા પાછી ખેંચવા અને પ્રોસિક્યુશન માટેની મર્યાદા 1 કરોડથી વધારીને 5 કરોડ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થશે. ગુનાહિત કાર્યવાહીને બદલે ટેકનોલોજી મારફતે ટેક્સ ચોરી પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને રિફંડના નિયમો થશે હળવા ટેક્સ પ્રણાલીમાં સુધારાના ભાગરૂપે પ્લાન્ટ અને મશીનરી પર ચૂકવવામાં આવેલા ટેક્સનું 5 વર્ષમાં માસિક હપ્તામાં રિફંડ આપવાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. અગાઉ જે વસ્તુઓ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મળતી ન હતી, જેમ કે કર્મચારીઓનો હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ, આઉટડોર કેટરિંગ, ટેલિકોમ ટાવર અને 13 સીટ સુધીના વાહનો, તેના પર હવે ક્રેડિટ આપવાની યોજના છે. સૌથી મોટો ફાયદો એ થશે કે જો સપ્લાયર ટેક્સ જમા ન કરાવે તો પણ સાચા ખરીદનારની ક્રેડિટ છીનવાશે નહીં, પરંતુ જેણે ટેક્સ જમા નથી કરાવ્યો તેની પાસેથી જ રિકવરી કરાશે.ઓટોમેટિક રજિસ્ટ્રેશન અને નાના વિવાદોમાં મુક્તિ વેપાર સરળ બનાવવા માટે 60 ટકા જેટલી નવી રજિસ્ટ્રેશન અરજીઓ માત્ર 3 દિવસમાં ઓટોમેટિક સિસ્ટમથી મંજૂર કરવાની દરખાસ્ત છે. જો કોઈ અરજીનો 10 દિવસમાં જવાબ ન મળે તો તેને માન્ય ગણી લેવાશે. વધુમાં, નાના વેપારીઓને બિનજરૂરી હેરાનગતિથી બચાવવા 10,000 રૂપિયાથી ઓછી રકમના વિવાદોમાં કોઈ નોટિસ ફટકારવામાં આવશે નહીં. ઓટોમેટિક રૂટથી રજિસ્ટ્રેશન મેળવનાર વેપારીઓ માટે સરનામા કે ડિરેક્ટર બદલવાની પ્રક્રિયા પણ સરળ બનાવી દેવાશે.ઈ-વે બિલ ચેકિંગ ઘટશે અને આઇટી સેક્ટરને રાહત માલસામાન વહન કરતી ટ્રકોને રસ્તામાં વારંવાર રોકવામાં આવશે નહીં. ચેકિંગ માત્ર માલ મોકલનાર રાજ્ય અથવા માલ જ્યાં પહોંચવાનો છે તે રાજ્યમાં જ થશે. આ ઉપરાંત, આઇટી સેક્ટરને રાહત આપતા વિદેશી બ્રાન્ચમાં પૂરી પાડવામાં આવતી સેવાઓને નિકાસ ગણીને તેના પર ITC આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. વિદેશી ગ્રાહકો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં પૂરો પાડવામાં આવતો માલ જો વિદેશી હૂંડિયામણમાં ચૂકવાય તો તેને પણ નિકાસ ગણવામાં આવશે.ઈ-કોમર્સ વેપારીઓને વેરહાઉસ રજિસ્ટ્રેશનમાં સીધો ફાયદો ઓનલાઈન વેપાર કરતા નાના વિક્રેતાઓ માટે એક મહત્વનો પ્રસ્તાવ છે. જે રાજ્યોમાં આ વેપારીઓની પોતાની કોઈ ઓફિસ કે જગ્યા નથી, ત્યાં તેઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મના વેરહાઉસને જ પોતાના રજિસ્ટર્ડ વેપાર સ્થળ તરીકે દર્શાવી શકશે. આ પગલાંથી દેશભરના આશરે 9.5 લાખ નાના વિક્રેતાઓને અલગ અલગ રાજ્યોમાં મોટા બજારો સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે.હોટલ અને જિમ સેવાઓ સસ્તી બનવાની શક્યતા મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ પર ચાલતી હોટલો અને જિમ જેવી સેવાઓ પર હાલમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ વિના 5 ટકા ટેક્સ લાગે છે. નવા પ્રસ્તાવ મુજબ આવી સેવાઓને પણ ક્રેડિટ ચેઈનમાં પાછા લાવવાની વિચારણા ચાલી રહી છે, જેનાથી સંચાલકોને મોટી રાહત મળશે અને સરવાળે ગ્રાહકો પર ટેક્સનો બોજ ઘટવાથી આ સેવાઓ સસ્તી પડી શકે છે.9 કલમો નાબૂદ થશે અને સજાની જોગવાઈઓ હળવી કરાશે કાયદાકીય પ્રક્રિયાને ડીક્રિમિનલાઈઝ કરવાના ઉદ્દેશ્યથી હાલમાં લાગુ 24 ગુનાઓમાંથી 9 ગુનાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાની તૈયારી છે. માત્ર 11 જેટલા ગંભીર ગુનાઓને જ જાળવી રખાશે અને બાકીના કિસ્સાઓમાં દંડ-વ્યાજ વસૂલીને સમાધાન કરાશે. મધ્યમ કક્ષાના ગુનાઓમાં મહત્તમ સજાની મુદત 3 વર્ષથી ઘટાડીને 2 વર્ષ કરવામાં આવશે.રિફંડ માટે મેન્યુઅલ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાંથી મુક્તિ રિફંડ મેળવવાની પ્રક્રિયાને પેપરલેસ અને અત્યંત ઝડપી બનાવવા નવી સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. હવે વેપારીઓએ પોતાના દાવા સાબિત કરવા મેન્યુઅલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે નહીં. ટેક્સ વિભાગ સીધું જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, કસ્ટમ્સ અને અન્ય સરકારી સિસ્ટમ્સ પરથી ડેટા મેળવી લેશે અને જોખમ ન જણાય તો 90 ટકા રિફંડ તરત જ ઓટોમેટિક રિલીઝ કરી દેવામાં આવશે.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને રિટર્નમાં છૂટ જે નાના વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડ રૂપિયા સુધીનું છે અને તેઓ માત્ર અનરજિસ્ટર્ડ ગ્રાહકોને જ માલ પૂરો પાડે છે, તેમના માટે રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયા સાવ સરળ બની જશે. આવા વેપારીઓને દર મહિને રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિ અપાશે. તેઓ માત્ર ત્રિમાસિક ધોરણે ટેક્સ ચૂકવીને વર્ષના અંતે એક જ વાર્ષિક રિટર્ન ફાઈલ કરી શકશે.#GSTCouncil #GSTUpdates #BusinessNews #TaxRelief #MorbiUpdate #IndiaNews #GSTMeeting