કોઈપણ પૂર્વ સૂચના કે નોટિસ વિના બપોરે 2 થી 4 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે બગીચો બંધ કરાતા બાળકો સાથે દૂરથી આવેલા લોકોને હાલાકી મોરબી: મોરબીમાં હજુ 2 દિવસ પહેલા જ નવો સૂરજબાગ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજે રવિવારની રજા હોવાથી લોકો હોંશે હોંશે પોતાના બાળકોને લઈને બગીચામાં હરવા-ફરવા પહોંચ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની પૂર્વ જાણકારી કે નોટિસ વગર બપોરે 2 થી 4 વાગ્યા સુધી બગીચો અચાનક બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સૂરજબાગ ખાતે પહોંચતા જ મુલાકાતીઓને જાણવા મળ્યું હતું કે બગીચો બંધ છે. ગેટ પર કોઈ નોટિસ કે બોર્ડ પણ લગાવવામાં આવ્યું ન હતું કે બગીચો મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આવી રીતે અચાનક બગીચો 2 કલાક માટે બંધ કરી દેવાતા દૂરથી આવેલા અનેક પરિવારો અને બાળકો નિરાશ થયા હતા અને તેમને દરવાજેથી જ પરત ફરવાનો વારો આવ્યો હતો.આ અંગે બગીચા વિભાગના અધિકારી જે. એમ. માકડિયાએ જણાવ્યું હતું કે, બપોરે 2 થી 4 વાગ્યા સુધી મેન્ટેનન્સની કામગીરી માટે બગીચો બંધ રાખવામાં આવ્યો છે. જોકે, તંત્ર દ્વારા આ બાબતે કોઈ બોર્ડ મારીને કે અન્ય કોઈ માધ્યમથી અગાઉથી જાણ ન કરાતા રજાના દિવસે મનોરંજન માટે આવેલા લોકોમાં નારાજગી જોવા મળી હતી.#Morbi #MorbiUpdate #Surajbaug #MorbiNews #MorbiCity #SundayHoliday #PublicPark #MorbiAdministration