સ્મશાનમાં બેસી દારૂ પિતા શખ્સોને ઠપકો આપતા આરોપીઓએ જીવવુ હરામ કર્યું, વિડીયોના આધારે ગુન્હો દાખલવાંકાનેર : વાંકાનેર શહેરમાં અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં દારૂ પીવા સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા શખ્સોને ઠપકો આપનાર આધેડનું જીવન આ આવારા તત્વોએ દુષ્કર બનાવી દેતા આધેડે એસિડ પી લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ કિસ્સામાં આધેડે આપઘાત પુર્વે એક વીડિયો પણ બનાવ્યો હોય મૃતકના ભાણેજની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાયન્સ નગરમાં રહેતા ફરિયાદી મહેશભાઈ અનિલભાઈ રાઠોડે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના મામા દેવજીભાઈ હરિભાઈ ચાવડા રહે.આંબેડકરનગર, વાંકાનેર વાળાઓએ આરોપી પ્રકાશ ઉર્ફે પકા દલા, અજિત મકવાણા અને મનોજ મહાલીયા તેમજ અન્ય બેથી ત્રણ અજાણ્યા શખ્સો જ્ઞાતિના સ્મશાનમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરી દારૂ પિતા હોય જેથી આમ કરવાની ના પાડતા ત્રાસ આપતા હતા.જેથી આરોપીઓના ત્રાસથી કંટાળી દેવજીભાઈએ ગત તા.17 સપ્ટેમ્બરના રોજ એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેંમનું મૃત્યુ નીપજ્યું હતું.મહત્વનું છે કે મૃતક દેવજીભાઈએ અગાઉ આરોપીઓના ત્રાસ બાબતે એક વીડિયો પણ બનાવ્યો હોય વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ દેવજીભાઈને મરવા મજબુર કરવા મામલે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.