ત્રણ જિલ્લાના પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો અને મેજિસ્ટ્રેટ્સને અપાઈ ખાસ તાલીમ : પોક્સો અને NDPS સહિતના ગંભીર ગુનાઓમાં સચોટ તપાસ અંગે માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ : રાજ્યમાં ગુનેગારોને સજા મળવાના દરમાં વધારો કરવા અને ન્યાયિક પ્રક્રિયા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોરબી ખાતે એક મહત્વપૂર્ણ કાયદાકીય તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ વિભાગ અને ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશન દ્વારા આયોજિત આ સેમિનારમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સને ખાસ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગંભીર ગુનાઓની તપાસમાં કચાસ ન રહે અને સાચા ગુનેગારોને સખત સજા થાય તે માટે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા તેમજ કોર્ટમાં સચોટ પુરાવા રજૂ કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.મોરબીના નેક્સસ સિનેમા કેમ્પસ સ્થિત હોટલ નેપ્ચ્યુન માનસિંહ ઈન ખાતે આજ રોજ આ એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા, ત્રણેય ડીવાયએસપી, પોલીસ ઇન્સપેક્ટરો તેમજ બીજા જિલ્લાના પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના નિવૃત્ત ન્યાયાધીશ અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ આર. પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં કન્વિક્શન રેટ ઓછો હોવાથી તેને વધારવા આ ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેનો મુખ્ય હેતુ નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે નુકસાન ન થાય અને સાચા આરોપીઓ કાયદાની છટકબારીમાંથી બચી ન જાય તે સુનિશ્ચિત કરવાનો છે.આ તાલીમ કાર્યક્રમમાં કાયદાકીય પ્રક્રિયાની બારીકાઈઓ સમજાવતા અનેક મહત્વના વિષયો આવરી લેવાયા હતા. જેમાં બનાવ વાળી જગ્યાનું પંચનામું કે નકશો કેવી રીતે બનાવવો, ઇજાગ્રસ્તની સારવારનું મેડિકલ સર્ટિફિકેટ ડોક્ટરે કઈ રીતે તૈયાર કરવું, મરણોન્મુખ નિવેદન લેવાની પદ્ધતિ અને પોસ્ટમોર્ટમ નોટ તૈયાર કરવાની યોગ્ય રીત અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, હાલમાં વધી રહેલા પોક્સો એક્ટ હેઠળના કેસો અને યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના (NDPS) કેસોમાં આરોપીઓ કોર્ટમાં છૂટી ન જાય તે માટે કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કરવાની પ્રક્રિયા વિશે વ્યાખ્યાન અપાયું હતું.નોંધનીય છે કે, સમગ્ર ભારતમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ઝોન વાઇઝ આવા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ થી શરૂ થયેલા આ ગુજરાત મોડલની દેશભરમાં નોંધ લેવાઈ છે અને મુંબઈ તેમજ આસામ જેવા રાજ્યોના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશને પણ તેનો અભ્યાસ કરવા મુલાકાત લીધી છે. આ પ્રકારના સેમિનારથી વિવિધ જિલ્લાના અધિકારીઓ એક મંચ પર મળવાથી તેમની વચ્ચે હકારાત્મક કાનૂની ચર્ચા થાય છે અને કાયદાકીય પ્રક્રિયાના નવા ચુકાદાઓ વિશે વિસ્તૃત જાણકારી મળવાથી રાજ્યની પ્રોસિક્યુશન સિસ્ટમ વધુ મજબૂત બને છે. ઉલ્લેખનિય છે કે આ કાર્યક્રમનું મોરબીના જિલ્લા સરકારી વકીલ વી. સી. જાની તથા મદદનીશ સરકારી વકીલો એસ. સી. દવે અને એન. ડી. કારીયા સહિતના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું.