રાત્રે ઘરે પરત ફરી રહેલા યુવાનને રસ્તામાં ઊભેલા શખ્સે છરી ઝીંકી: જમણા હાથની હથેળીમાં ઈજા થતાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈમોરબી અપડેટ : મોરબીના ભડીયાદ વિસ્તારમાં માત્ર 'સામું કેમ જુએ છે' તેવી એકદમ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને એક શખ્સે પ્લમ્બિંગનું કામ કરતા યુવાન પર છરી વડે હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં યુવાનને જમણા હાથની હથેળીના ભાગે ઈજા પહોંચતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી-2 ભડીયાદ ખાતે આવેલી હરીઓમ સોસાયટીમાં માહી એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા અને છૂટક પ્લમ્બિંગનું કામ કરી ગુજરાન ચલાવતા 34 વર્ષીય શૈલેષભાઈ કેશુભાઈ વાણીયા નામના યુવાને આરોપી મહિપત ઉર્ફે ભુરાભાઈ રવજીભાઈ વાઘેલા (રહે. માહી એપાર્ટમેન્ટ, ભડીયાદ, મોરબી-2) સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 02/10/2026 ના રોજ રાત્રીના સાડા દસ-અગિયાર વાગ્યાના સુમારે શૈલેષભાઈ પોતાની સોસાયટીમાં આવેલી દુકાનેથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં માહી એપાર્ટમેન્ટ પાસે આરોપી મહિપત ઉર્ફે ભુરો વાઘેલા ઉભો હતો. પસાર થતી વખતે શૈલેષભાઈએ તેની સામે જોતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને 'મારી સામે શું જોવે છે' કહીને માથાકૂટ કરી હતી. શૈલેષભાઈએ તેને કોઈ જવાબ ન આપતા આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢીને હુમલો કરવા ગયો હતો.હુમલાથી બચવા માટે શૈલેષભાઈએ છરી પકડી લેતા તેમના જમણા હાથની હથેળીના ભાગે છરી વાગી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેમણે બુમાબુમ કરતા તેમના પિતા અને સોસાયટીના અન્ય લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. આ સમયે શૈલેષભાઈના પિતાએ 112 નંબર પર પોલીસને જાણ કરતા થોડીવારમાં પોલીસની ગાડી આવી પહોંચી હતી, જોકે તે પહેલાં આરોપી ભુરો અને તેની સાથેના અન્ય માણસો ત્યાંથી નાસી છૂટ્યા હતા.ઇજાગ્રસ્ત શૈલેષભાઈને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ શૈલેષભાઈએ તા. 03/10/2026 ના રોજ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી મહિપત ઉર્ફે ભુરા વાઘેલા સામે બી.એન.એસ. કલમ 115(2) તથા હથિયારબંધી જાહેરનામાના ભંગ સબબ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પંકજભા પ્રવિણભા ગુઢડા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #CrimeNews #KnifeAttack #BDivisionPolice #Bhadiyad #MorbiUpdates #GujaratPolice