વાહનોથી ઉડતા પથ્થરોના કારણે દુકાનોના કાચ તૂટ્યા અને રાહદારીઓને પણ ઈજાઓ પહોંચી : અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા વેપારીઓ મહાપાલિકા કચેરીએ દોડી આવ્યા મોરબી અપડેટ : મોરબી શહેરના મહેન્દ્રપરા મેઈન રોડ પર છેલ્લા ઘણા સમયથી રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ હોવાથી સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ ખરાબ રસ્તાના કારણે સતત ધૂળની ડમરીઓ ઉડે છે અને વાહનો પસાર થતાં ઉડતા પથ્થરોથી આસપાસની દુકાનોના કાચ તૂટવાના બનાવો પણ સામે આવ્યા છે. રોષે ભરાયેલા વેપારીઓએ મહાપાલિકા કચેરીએ પહોંચી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાની ઉગ્ર માંગ કરી છે અને જો પ્રશ્ન હલ નહીં થાય તો રસ્તો બંધ કરવા સુધીની જલદ ચીમકી ઉચ્ચારી છે.વેપારીઓ દ્વારા કમિશનરને કરાયેલી રજુઆત અનુસાર, મહેન્દ્રપરા મેઈન રોડ પર છેલ્લા ૧૦ થી ૧૨ મહિનાથી રસ્તાની સ્થિતિ અતિશય ખરાબ છે. રસ્તા પરથી સતત પસાર થતા વાહનોના કારણે ધૂળ ઉડતી હોવાથી અહીં ધંધો કરતા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વધુમાં, રસ્તા પર રહેલા પથ્થરો ચાલતા વાહનોના ટાયરમાંથી છૂટીને સીધા દુકાનોમાં આવતા અનેક દુકાનોના ગ્લાસ તૂટી ગયા છે. આ ઉપરાંત રસ્તામાં ચાલતા લોકોને પણ પથ્થરો વાગે છે અને ખાડાઓના કારણે ઉંમરલાયક લોકો વાહન પરથી પડી જવાના બનાવો પણ રોજિંદા બની ગયા છે. સ્થાનિક કોર્પોરેટરોને આ અંગે વારંવાર માહિતગાર કરવા છતાં અને રૂબરૂ અરજીઓ કરવા છતાં માત્ર 'બે-ત્રણ દિવસમાં પ્રશ્નનો નિકાલ કરાવી આપશું' તેવા પોકળ વચનો જ આપવામાં આવે છે, પરંતુ કોઈ જ નક્કર કામગીરી થતી નથી.આ સમસ્યા અંગે મહાપાલિકા કચેરીએ રજૂઆત કરવા આવેલા સ્થાનિક વેપારી કાસમાણી સરફરાઝે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, 'અમે છેલ્લા આઠ-નવ મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ છેલ્લા દોઢ-બે મહિનાથી તો આ પ્રશ્ન વધુ ગંભીર બની ગયો છે. રસ્તા પરથી પાણા ઉડે છે અને ધૂળ પણ એટલી જ ઉડે છે. પાણા ઉડતા દુકાનવાળાઓના ગ્લાસ ફૂટી ગયા છે અને કેટલાય રાહદારીઓને પણ પથ્થરો વાગ્યા છે. અમે કમિશનર અને કોર્પોરેટરોને અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ દર વખતે અમને વહેલી તકે કામ ચાલુ કરવાનું માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. કોર્પોરેટરો તો છેલ્લા આઠ દિવસથી 'આજ રાતનું કીધું છે, ગઈ રાતનું કીધું છે' તેવા જ ગોળ ગોળ જવાબો આપે છે.