ગત વર્ષે 3.08 લાખ હેકટરમાં વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષમાં ઘટીને 2.98 લાખ હેકટર રહ્યું : સફેદ સોના એટલે કે કપાસ પ્રત્યે ખેડૂતોમાં સૌથી વધુ લગાવ જોવા મળ્યોમગફળીના વાવેતરમાં 12 હજાર હેકટર જેટલો ઘટાડો : દિવેલા, અજમાંનું વાવેતર પણ ઘટ્યું, જ્યારે તુવેર, સોયાબીન, શાકભાજીનું વધ્યુંમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ચાલુ ખરીફ સીઝન માટે વાવેતરની કામગીરી લગભગ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે અને તાજેતરના આંકડા મુજબ સમગ્ર જિલ્લામાં અંદાજિત 2.99 લાખ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાના પાંચેય તાલુકાઓમાં વરસાદની અનિમિતતા હોવા છતાં વાવેતરમાં માત્ર 2.9 ટકાનો જ ઘટાડો થયો છે. ગત વર્ષે નોંધાયેલા 3.08 લાખ હેક્ટરની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે, મુખ્ય પાકોની પસંદગીમાં ખેડૂતોનો ઝોક યથાવત જોવા મળ્યો છે.સરકારી ચોપડે મોરબી જિલ્લામાં 100 ટકા વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જો કે વરસાદની અનિયમિતતા વધુ રહી છે. જરૂર પડ્યે મેઘરાજાએ ખેડૂતોને ભારે નિરાશ કર્યા છે. જેને પરિણામે આ વર્ષે મોટાભાગના પાકનું ઉત્પાદન ધાર્યા કરતાં ઓછું થાય તેવો અણસાર મળી રહ્યો છે. જેથી જણસોના ભાવમાં પણ વધારો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જિલ્લા ખેતીવાડી વિભાગના રીપોર્ટ મુજબ, મોરબી જિલ્લાનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર 313898 હેક્ટર છે, જેની સામે ચાલુ વર્ષે 25-09-2026 સુધીમાં કુલ 2,99,917 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષે 2025માં આ સમયે કુલ વાવેતર 3,08,854 હેકટર થયુ હતું. આ વર્ષે ચોમાસામાં વરસાદ મોડો શરૂ થયો હતો. આ ઉપરાંત એક સામટા બે રાઉન્ડ બાદ વરસાદે બ્રેક લઈ છેક ભાદરવામાં દેખા દીધી હતી. આમ વરસાદની અનિયમિતતા હોવા છતાં પણ જિલ્લામાં માત્ર 10 હજાર હેકટર જેટલો જ વાવેતરમાં ઘટાડો આવ્યો છે.જિલ્લામાં દિવેલા, અજમાંનું વાવેતર ઘટ્યું છે. જ્યારે તુવેર, સોયાબીન, શાકભાજીનું વધ્યું છે. સમગ્ર જિલ્લામાં સફેદ સોના તરીકે ઓળખાતા કપાસના પાક પ્રત્યે ખેડૂતોનો લગાવ સૌથી વધુ જોવા મળ્યો છે. ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 2,06,403 હેક્ટરમાં માત્ર કપાસનું જ વાવેતર થયું છે. કપાસના વાવેતરમાં મોરબી તાલુકો 64,732 હેક્ટર સાથે સમગ્ર જિલ્લામાં મોખરે રહ્યો છે, જ્યારે વાંકાનેરમાં 43,854 હેક્ટર અને માળિયામાં 42935 હેક્ટરમાં કપાસ વવાયો છે. ગત વર્ષે 2025 માં કપાસનું વાવેતર 2,08,145 હેક્ટરમાં થયું હતું, એટલે કે તેમાં પણ નજીવો ઘટાડો જોવા મળ્યો છે. કપાસ સિવાય શાકભાજીનું વાવેતર પણ નોંધપાત્ર રીતે 3551 હેક્ટરમાં થયું છે. જિલ્લાના ખેડૂતો ધીમે ધીમે રોકડિયા પાકો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ કપાસનો દબદબો હજુ પણ અકબંધ રહ્યો છે.મોરબી જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં મગફળીના પાક પ્રત્યે ખેડૂતોમાં થોડી ઉદાસીનતા જોવા મળી છે. વર્ષ 2025 માં જિલ્લામાં કુલ 72,300 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે ચાલુ વર્ષે 2026 માં આ આંકડો ઘટીને માત્ર 60,240 હેક્ટર સુધી સીમિત રહ્યો છે. ખાસ કરીને હળવદ અને ટંકારા તાલુકામાં મગફળીનું વાવેતર ઘટ્યું છે, જે દર્શાવે છે કે ખેડૂતોએ અન્ય પાકો તરફ વળવાનું પસંદ કર્યું છે અને મગફળીનો મોહ ઘટાડ્યો છે.પશુપાલકો માટે રાહત: ઘાસચારાના વાવેતરમાં નોંધપાત્ર વધારોસારા વરસાદ અને પશુપાલન વ્યવસાયના વ્યાપને જોતા ખેડૂતોએ પોતાના પશુઓ માટે ઘાસચારાના વાવેતરમાં સારો એવો વધારો કર્યો છે. ગત ખરીફ સીઝન 2025 માં જિલ્લામાં 12,939 હેક્ટરમાં ઘાસચારો વવાયો હતો. પરંતુ ચાલુ વર્ષે આ વિસ્તાર વધીને 15,883 હેક્ટર સુધી પહોંચી ગયો છે. વાંકાનેર અને મોરબી તાલુકામાં ઘાસચારાનું વાવેતર સૌથી વધુ જોવા મળ્યું છે, જે શિયાળા અને ઉનાળામાં પશુઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.રોકડિયા પાક તરીકે દિવેલાની લોકપ્રિયતામાં ધીમો ઉછાળોકપાસ અને મગફળી સિવાય દિવેલા (એરંડા) પણ જિલ્લાના ખેડૂતો માટે આવકનો એક સારો સ્ત્રોત બની રહ્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025 માં જિલ્લામાં 4440 હેક્ટરમાં દિવેલાનું વાવેતર નોંધાયું હતું. ચાલુ વર્ષે 2026 ના આંકડાઓ પર નજર કરીએ તો તેમાં વધારો નોંધાયો છે અને કુલ 5400 હેક્ટરમાં દિવેલા વવાયા છે. હળવદ અને મોરબી તાલુકાના ખેડૂતોએ દિવેલાના પાક પર વધુ પસંદગી ઉતારી છે, જે સારા ઉત્પાદનની આશા જગાડે છે.કઠોળ વર્ગના પાકોમાં તુવેરનું વાવેતર સૌથી વધુધાન્ય અને તેલીબિયાં પાકોની સાથે મોરબી જિલ્લામાં કઠોળ વર્ગના પાકો પણ સારા એવા પ્રમાણમાં વવાય છે. ચાલુ વર્ષના અહેવાલ મુજબ જિલ્લામાં મગ, મઠ અને અડદનું વાવેતર અનુક્રમે 202, 3 અને 368 હેક્ટર જેટલું સીમિત રહ્યું છે. પરંતુ તુવેરના વાવેતરમાં ખેડૂતોએ સારો રસ દાખવ્યો છે. જિલ્લામાં કુલ 5063 હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ હળવદ તાલુકામાં 2872 હેક્ટર અને ત્યારબાદ મોરબી તાલુકામાં 1834 હેક્ટરનો સમાવેશ થાય છે.