જૂના RTO નજીક 25 વર્ષથી રહેતા દિવ્યાંગ માલધારીની વ્યથા: 'બાજુમાં જ ઉમા રિસોર્ટનું મોટું દબાણ છે છતાં તંત્રને માત્ર ગરીબો જ દેખાય છે, મોટા માથાઓ સામે કાર્યવાહી કેમ નહીં?'મોરબી અપડેટ : મોરબીની જૂની આરટીઓ કચેરી પાસે, ઉમા રિસોર્ટ પાછળ આવેલી સરકારી ખરાબાની જમીન પર આજે મામલતદાર (ગ્રામ્ય) દ્વારા દબાણ હટાવવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેલના ક્વાર્ટર બનાવવા માટે જમીન ખુલ્લી કરાવવાના હેતુથી તંત્ર દ્વારા અહીં નોટિસ આપ્યા બાદ બે વાડાઓનું ડિમોલિશન કરી તોડી પાડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પેશકદમી કેસ નંબર 16/2026 અન્વયે મોરબી તાલુકાના અમરેલી ગામના રેવન્યુ સર્વે નંબર 199 પૈકી 1 ની 250 ચોરસ મીટર સરકારી જમીન પર કાર્યવાહી કરાઈ છે. આ જગ્યા પર છેલ્લા 15 થી 25 વર્ષથી તેજાભાઈ જીવણભાઈ રાવા નામના દિવ્યાંગ માલધારી પોતાના પરિવાર અને 25 જેટલા પશુઓ (ગાય, ભેંસ, વાછરડા) સાથે ઓરડી અને વાડો બનાવીને પશુપાલનનો વ્યવસાય કરતા હતા.આ કાર્યવાહી સામે તેજાભાઈ રાવાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને લેખિતમાં જવાબ રજૂ કરીને તંત્ર પર ભેદભાવભરી નીતિનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમનો ખુલ્લો આક્ષેપ છે કે તેમની વિવાદિત સરકારી જમીનની બાજુમાં જ ઉમા રિસોર્ટ આવેલું છે, જેના દ્વારા સરકારી જમીન પર મોટાપાયે અનઅધિકૃત દબાણ કરી પચાવી પાડવામાં આવી છે. પરંતુ સર્કલ ઓફિસર સાથેના મેળાપીપણા અને રાજકીય દબાણના કારણે રિસોર્ટ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને માત્ર ગરીબ વર્ગને નિશાન બનાવવામાં આવે છે.પોતાની વ્યથા ઠાલવતા દિવ્યાંગ તેજાભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગૌચર અને ખરાબાની જમીનો પર માફિયાઓએ મોટા મોટા બંગલા અને ફાર્મહાઉસ બનાવી દીધા છે, ત્યાં તંત્ર કોઈ પગલાં લેતું નથી. સરકાર જો ખરાબામાંથી માલધારીઓને કાઢી મૂકે તો શું તેમણે પરમિટ લઈને પાકિસ્તાન જતા રહેવું? તેમણે પશુઓના નિભાવ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા અથવા જમીન નિયમિત કરી આપવા માંગ કરી હતી, છતાં કોઈ ધ્યાન ન અપાતા આખરે આજે તેમના વાડા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #Demolition #Encroachment #Maldhari #MorbiRural #Mamlatdar #MorbiUpdates #JusticeForPoor