બાળકોને ફળ-સુખડી તથા સગર્ભા માતાઓને કીટ અને THRનું વિતરણ કરાયું: ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડી અને આશા વર્કરોનું સન્માનમોરબી અપડેટ: મોરબીના નવી પીપળી ગામે તાજેતરમાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આંગણ મિલન સેવા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો અને સગર્ભા માતાઓના પોષણ તેમજ આરોગ્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ હંસાબેન પારઘી, તાલુકા પંચાયતના સભ્યો, તલાટી મંત્રી, ગામના સરપંચ, સુપરવાઇઝર પૂર્વાબેન તેમજ આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આંગણવાડીના બાળકોને પોષણયુક્ત સુખડી અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સગર્ભા માતાઓને વિશેષ કીટ અને THR (ટેક હોમ રાશન) આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. બાળકો દ્વારા શ્લોક પઠન, બાલગીત અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાલીઓ દ્વારા પણ દરેક બાળકને બુક અને પેન્સિલની કીટ ભેટમાં આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે પધારેલા મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય અને પોષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ ઉત્સાહભેર સમાપન થયું હતું.#Morbi #NaviPipli #PoshanMaah #Anganwadi #HealthAndNutrition #MorbiNews #MorbiUpdate