BAOU વાંકાનેર કેન્દ્રના ૧૦ ગોલ્ડ-સિલ્વર મેડલ વિજેતા અને ‘તેજતૃષા’ સ્પર્ધાના ૨૫ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયામોરબી અપડેટ : વાંકાનેર ખાતે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત અમરસિંહજી શૈક્ષણિક સંકુલ (શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ) ખાતે કાર્યરત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના અભ્યાસ કેન્દ્રના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સંકુલના ઓડિટોરિયમ હોલ ખાતે સંપન્ન થયો હતો.આ સન્માન સમારોહમાં ઓગસ્ટ ૨૦૧૯ થી ૨૦૨૫ સુધીના સત્રમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર ૧૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન માટે યોજાતી 'તેજતૃષા' રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં મેડલ મેળવનાર ૨૫ જેટલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ તમામ વિજેતા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી હતી અને તેમને અભિનંદન પાઠવી તેમના કૌશલ્યવર્ધન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા, સોનલબેન દોશી, સોસાયટીના ઉપપ્રમુખ કલ્પેન્દુભાઈ મહેતા, માનદ મંત્રી અનંતરાય મહેતા તેમજ અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ BAOU રાજકોટ પ્રાદેશિક કેન્દ્રના રિઝનલ ડિરેક્ટર હર્ષવર્ધનજી, કો-ઓર્ડિનેટર ડો. શીતલબેન શાહ, બ્રિજેશભાઈ બારસરા સહિત સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રધાનાચાર્યો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, મેડલ વિજેતા વિદ્યાર્થીઓના વાલીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.