મોરબી અપડેટ : મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભ 2026-27 અંતર્ગત આજે વાત્સલ્ય વિદ્યાપીઠ–મોરબી ખાતે વિવિધ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભમાં 1000થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલા, પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.કલા મહાકુંભમાં વિવિધ કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધાઓમાં કલાકારો અને વિદ્યાર્થીઓએ પોતાની આગવી પ્રતિભાથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા કલાકારો શહેર કક્ષાએ ભાગ લેશે.યોજાયેલી મુખ્ય સ્પર્ધાઓમાં રાસ-ગરબા, લોકનૃત્ય, ભરતનાટ્યમ, તબલા વાદન, હાર્મોનિયમ, ચિત્ર કલા, એક પાત્રીય અભિનય, લોકગીત, ભજન, વક્તૃત્વ, નિબંધ લેખન, સુગમ સંગીત, સમૂહ ગીતનું આયોજન કરાયું હતું. વિવિધ સ્પર્ધાઓ દરમિયાન સ્પર્ધકોએ પોતાની કલા અને પ્રતિભાના સુંદર રંગો રજૂ કરી સમગ્ર વાતાવરણને કલામય બનાવી દીધું હતું. ખાસ કરીને નૃત્ય, સંગીત, અભિનય અને ચિત્રકલા સહિતની સ્પર્ધાઓમાં સ્પર્ધકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.1000થી વધુ સ્પર્ધકોની ઉપસ્થિતિ સાથે યોજાયેલ આ કલા મહાકુંભ મોરબીના યુવા અને બાળ કલાકારો માટે પોતાની પ્રતિભા રજૂ કરવા માટેનું મહત્વપૂર્ણ મંચ બન્યો હતો. વિવિધ કલાઓના સંગમ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ ખરેખર “કલાના કામણ પાથરી” સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.