જિલ્લા કલેકટરે સુઓમોટો કાર્યવાહી કરી ભૂદાન શરતભંગ પગલાં ભરવા કર્યો આદેશમોરબી : ટંકારા તાલુકાના સજનપર ગામમાં ગરીબોને ભૂદાનમાં મળેલી જમીન વેચવા મામલે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરે સુઓમોટો રીવિઝન હેઠળ કેસ ચલાવીને ગેરકાયદેસર રીતે થયેલા વેચાણ દસ્તાવેજની નોંધ રદ કરી છે અને શરતભંગ હેઠળ જમીન સરકાર હસ્તક લેવા કાર્યવાહીના આદેશ આપ્યા છે.ટંકારાના સજનપર ગામના રેવન્યુ સર્વે નં. ૧૨૦, ૧૪૮ અને ૧૪૯ વાળી જમીન રામાભાઇ માલાભાઇને ભૂદાન હેઠળ નવી અને અવિભાજ્ય શરતે ફાળવવામાં આવી હતી. ત્યારબાદ વારસાઈ રૂએ આ જમીન પૈકી સર્વે નં. ૧૪૯ વાળી જમીન રાજાભાઈ દલાભાઈ જાદવના નામે આવી હતી. સરકારી નિયમો મુજબ ભૂદાનની જમીન વેચી શકાતી નથી, તેમ છતાં રાજાભાઈએ વર્ષ ૨૦૧૪ માં આ જમીન મોરબીના મહેશભાઇ નરભેરામભાઇ ઘોડાસરાને વેચી હતી. જેની વેચાણ નોંધ નં. ૩૦૩૪ ટંકારાના નાયબ મામલતદાર દ્વારા પ્રમાણિત પણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મહેશભાઈએ વર્ષ ૨૦૨૧ માં આ જમીન દામજીભાઈ કરમશીભાઈ ભાડજાને વેચી દીધી હતી.બીજીતરફ ભૂદાનની જમીન બબ્બે વખત વેચાણ કરી નાખવામાં આવતા આ ગેરરીતિ મોરબી પ્રાંતના નાયબ કલેક્ટરના ધ્યાનમાં આવી હતી. દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા ભૂદાન જમીન વેચાણની નોંધ રીવિઝનમાં લેવા કલેકટર સમક્ષ દરખાસ્ત કરી હતી. જેમાં મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સુઓમોટો રીવીઝન હેઠળ કેસ ચલાવી તા. ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ ભૂદાન હેઠળની જમીન વેચાણની નોંધ નં. ૩૦૩૪ ને ગેરકાયદેસર અને ગુજરાત જમીન મહેસૂલ નિયમોની વિરુદ્ધ ગણાવીને રદ કરી દીધી છે. આ સાથે જ કલેક્ટરે સર્વે નં. ૧૨૦, ૧૪૮ અને ૧૪૯ ના ૭/૧૨ ના ઉતારામાં ફરીથી 'ભૂદાન' નો ઉલ્લેખ કરવા અને આ જમીનમાં ભૂદાન-શરતભંગ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા નાયબ કલેક્ટરને આદેશ કર્યો છે. ખોટી નોંધ મંજૂર કરનાર અધિકારી સામે પગલાં લેવાશે કે કેમ?સજનપર ગામની કિંમતી ભૂદાન જમીનની ગેરકાયદેસર વેચાણ નોંધ નં. ૩૦૩૪ ટંકારાના તત્કાલીન નાયબ મામલતદાર દ્વારા તા. ૩૦/૧૨/૨૦૧૪ ના રોજ અયોગ્ય અને અનિયમિત પ્રકારે પ્રમાણિત કરવામાં આવી હતી. રેકર્ડમાં 'ભૂદાન' જમીન હોવાનું સ્પષ્ટ હોવા છતાં ખરાઈ કર્યા વિના નોંધ મંજૂર કરનાર આ મહેસૂલી અધિકારીની ઘોર બેદરકારી કલેક્ટરના ધ્યાનમાં આવી ચૂકી છે. ત્યારે મોટો સવાલ એ ઉઠે છે કે શું હવે વહીવટી તંત્ર દ્વારા આ ગેરરીતિ આચરનાર તત્કાલીન અધિકારી સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ?