નવલખી રોડ પર રહેણાંક મકાનમાં દરોડા દરમિયાન ર૩૪ બોટલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ : મિલિટરી અને ડિફેન્સ માટે સપ્લાય થતો મોંઘો દારૂ બુટલેગરો પાસેથી મળી આવતા ચકચારમોરબી અપડેટ : મોરબી શહેરમાં પોલીસ દ્વારા નવલખી રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખવામાં આવેલ ડિફેન્સનો 9થી 10 હજારની એક-એક બોટલ મળે તેવો મોંઘોદાટ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મકાન માલિક ફરાર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દરોડા દરમિયાન લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે નવલખી રોડ પર આવેલા રોયલ પાર્કમાં રહેતા વરૂણદાન નવલદાન ગઢવીના બે માળના પાકા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. આ હકીકતના આધારે પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી બપોરના સમયે મકાન પર દરોડો પાડ્યો હતો. મકાનની અંદર તપાસ કરતા ત્યાં રઘુવિરસિંહ દાદુભાઇ બારહટ નામનો શખ્સ હાજર મળી આવ્યો હતો. પોલીસે મકાનની સઘન તલાશી લેતા રૂમના ખૂણામાં રાખેલા પૂંઠાના બોક્સ અને વિમલના થેલાઓમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી જેમસન, બ્લેક એન્ડ વ્હાઇટ, બ્લેક ડોગ, જોની વોકર બ્લેક લેબલ, 100 પાઇપર્સ, ડેવર્સ જેવી મોંઘી બ્રાન્ડની કુલ ૩૪ સીલબંધ બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત રૂ. ૧,૪૨,૭૦૦ આંકવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંની મોટાભાગની બોટલો પર 'ફોર મિલિટરી પર્સનલ ઓન્લી' અને 'ફોર ડિફેન્સ સર્વિસ ઓન્લી' લખેલું હતું. પકડાયેલા આરોપી રઘુવિરસિંહે કબૂલાત આપી હતી કે તે મકાન માલિક વરૂણદાન સાથે ભાગીદારીમાં આ દારૂ લાવીને વેચાણ કરતો હતો. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર વરૂણદાનને ઝડપી લેવા આગળની તપાસ શરૂ કરી છે.