45 લોકોની એક વિશેષ ટીમ 100 દિવસ માટે બોલાવવામાં આવી છે, જે સંપૂર્ણ શહેરને ક્લીન જાહેર કરવા કામ કરશે : મ્યુનિસિપલ કમિશનરમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ‘1 કલાક શ્રમદાન’ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન બેઠા પુલ પાસે કરવામાં આવ્યું હતું. જોકે, વાસ્તવિકતા એ હતી કે બેઠા પુલ પર ગઈકાલ રાતથી જ સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરી દેવામાં આવી હતી. માત્ર પુલની બંને બાજુના રોડ પર જ્યાં થોડો ઘણો કચરો હતો, ત્યાં આ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.આશરે 200 મીટર જેટલા સીમિત વિસ્તારમાં સફાઈ માટે મોરબી મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો તેમજ BAPS, ક્લીન અપ મોરબી, લાયનેસ ક્લબ, ઇન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ મળીને 500થી વધુ લોકો એકત્ર થયા હતા. આટલા નાના વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં આ કાર્યક્રમ માત્ર ફોટોસેશન પૂરતો જ મર્યાદિત રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો.બીજી તરફ, આ મામલે કમિશનરે જણાવ્યું હતું કે, આ સ્થળ ઉપરાંત શહેરના અન્ય 50 સ્થળોએ પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત 45 લોકોની ખાસ ટીમ પણ બોલાવવામાં આવી છે, જે આગામી 100 દિવસ સુધી શહેરમાં સફાઈ કામગીરી કરશે. હાલ પૂરતો બેઠા પુલ પાસેનો કાર્યક્રમ ફોટોસેશન જેવો બની રહ્યો હોય ત્યારે આગામી દિવસોમાં મોરબી ખરેખર સ્વચ્છ બને છે કે કેમ તે જોવું રહ્યું.મોરબીને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવા નાગરિકોનો સ્વયંભૂ સહયોગપ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું કે મોરબી મહાનગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે જોડાઈને સફાઈ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે. સાંસદ ઝાલા, મેયર, ચેરમેન, કમિશનર સહિતના પદાધિકારીઓ અને વિવિધ સેવાભાવી તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઈ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શહેરમાંથી કચરાનો નિકાલ કરવાની સાથે ગંદકી ન કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ઝુંબેશથી મોરબી વધુ સ્વચ્છ અને સુંદર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.100 દિવસ માટે 45 સભ્યોની વિશેષ ટીમ દ્વારા 13 વોર્ડમાં સઘન સફાઈ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું કે શહેરમાં સફાઈ માટે 1 કલાકનું શ્રમદાન આયોજિત કરાયું હતું અને 13 વોર્ડના 50 જેટલા પોઇન્ટ પર સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે. શહેરના ખૂણે ખૂણે સફાઈ કરવા માટે બહારથી 45 લોકોની એક વિશેષ ટીમ 100 દિવસ માટે બોલાવવામાં આવી છે, જે સંપૂર્ણ શહેરને ક્લીન જાહેર કરવા કામ કરશે. આ ઉપરાંત, પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે ફેક્ટરીઓ અને દુકાનો પર ચેકિંગ કરી નોટિસો ફટકારવામાં આવી રહી છે અને લાખો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. નદીના પટમાં આવેલી દીવાલ મામલે કલેક્ટર કક્ષાએથી જે સૂચના મળશે તેનો અમલ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું.#Morbi #MorbiUpdate #SwachhataAbhiyan #MorbiMahanagarpalika #Shramdan #CleanMorbi #MorbiNews