મહિલા કોંગ્રેસ પ્રમુખની કમિશનરને રજુઆત : દુર્ઘટના સર્જાયા પહેલા કાર્યવાહીની માંગમોરબી અપડેટ : મોરબીના દરબારગઢથી પાડાપુલ તરફ જતા રસ્તા પર રાજાશાહી સમયની ગ્રીલો અને દીવાલો આવેલી છે. અહીં 30 થી 40 ફૂટ જેટલી ઊંડી ખાઈ આવેલી છે અને ત્યાંની દીવાલ છેલ્લા 1 મહિનાથી ઘસાઈ ગઈ હોવાથી ખુલ્લી દીવાલ જોખમી હાલતમાં છે. આ રસ્તા પરથી રોજ મોટી સંખ્યામાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને રાહદારીઓ પસાર થાય છે, તેમજ તે જ જગ્યાએ નાસ્તાની લારીવાળા અને ફેરિયાઓ પણ બેસે છે.આ મામલે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દમયંતીબેન નિરંજની દ્વારા મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં વેધક સવાલ કરાયો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે અને 1 મહિના સુધી આ જોખમી દીવાલ કોઈને દેખાઈ કેમ નહીં? સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચૂંટાયેલા કોર્પોરેટરનું રહેઠાણ આ સ્થળથી આશરે 200 મીટર જેટલું જ દૂર હોવા છતાં કોઈ ધ્યાન અપાયું નથી. મહાનગરપાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવ્યું છે કે શું અઘટિત ઘટના બન્યા પછી જ તંત્રની આંખ ખુલશે?મહિલા કોંગ્રેસ પ્રમુખની સ્પષ્ટ માંગ છે કે આ જોખમી દીવાલનું તાત્કાલિક નિરીક્ષણ કરી વહેલી તકે સમારકામ કરવામાં આવે અને સ્થળને સુરક્ષિત બનાવવામાં આવે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સ્થાનિકો સાથે મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવાની ફરજ પડશે તેવી ચીમકી અપાઈ છે. રજૂઆતના અંતે 'દુર્ઘટના પછી દોડતું તંત્ર નહીં, દુર્ઘટના પહેલાં જાગતું તંત્ર જોઈએ' તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiNagarpalika #PublicSafety