આજે તા.1 ઓક્ટોબરથી જ અમલ : મોરબી સિરામિક એસોસીએશન દ્વારા જૂન - જુલાઈ બાદ ત્રીજી વખત ભાવ વધારો કરાયોમોરબી : વૈશ્વિક તણાવ વચ્ચે ગેસ અને કોલસામા થઈ રહેલા સતત ભાવ વધારા વચ્ચે પરિવહન ખર્ચ પણ મોંઘો થતા સિરામિક ક્લસ્ટર મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને માઠી અસરો સહન કરવી પડી રહી છે જેમાં તાજેતરમાં આવેલ વીજ દર વધારા બાદ મોરબી સિરામિક કલસ્ટરમાં વિટ્રીફાઇડ ટાઇલ્સ ઉત્પાદકો દ્વારા આજે તા.1 ઓક્ટોબરથી વિટ્રીફાઇડ ટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્કવેર ફૂટે રૂ.3.50નો ભાવ વધારો અમલી બનાવ્યો છે. મહત્વનું છે કે, આ અગાઉ જૂન - જુલાઈ માસમાં ટાઇલ્સના તમામ સેગમેન્ટમાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો.વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટરમાં વૈશ્વિક તણાવભરી સ્થિતિ વિપરીત અસર બતાવી રહી છે. સતત વધી રહેલા નેચરલ ગેસ અને પ્રોપેનના ભાવ વધારાની સાથે જ કોલસો, રો - મટિરિયલ પેકેજીંગ સામગ્રી અને છેલ્લે ઇલક્ટ્રિસિટી બીલમાં પણ વધારો થતા મોરબી વિટ્રીફાઇડ ટાઇલ્સ ઉત્પાદકોની અગત્યની બેઠક બાદવિટ્રીફાઇડ ટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્કવેર ફૂટના ભાવમાં રૂપિયા 3.50નો વધારો કરવામાં આવ્યો છે.વિટ્રીફાઇડ ટાઇલ્સના ભાવમાં કરવામાં આવેલ ભાવ વધારો આજે તા.1 ઓક્ટોબર 2026થી જ અમલી બનાવી તમામ ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર તેમજ ટ્રેડર્સને પણ જાણ કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,ઈરાન - અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ગેસના ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ છે અને બીજી તરફ દરિયાઈ પરિવહન જોખમી બનતા ઉંચા નૂર ભાડાના કારણે ઇન્ટરનેશનલ માર્કેટ પણ ઠપ્પ હોવાની સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ ઘરાકીનો અભાવ હોય ઉદ્યોગને ટકાવી રાખવા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ નિર્ણય લેવાયો છે.નોંધનીય છે કે, મોરબી સિરામિક કલસ્ટરમાં હાલમાં 250થી વધુ એકમો વિટ્રીફાઇડ ટાઇલ્સના છે. જેમાં સર્વાનુમતે ભાવ વધારો કરવા નિર્ણય લેવાયો છે.