સ્કૂલમાં રિશેષ પડતા ઘેર જમવા આવતા સમયે બનેલી ઘટનાહળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે ગઈકાલે બનેલી એક કરુણ ઘટનામાં સ્કૂલે રિશેષ પડતા સાયકલ લઈ ઘેર જમવા આવી રહેલ બાળકી અચાનક બેભાન થઈ ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું.બાલ્યાવસ્થામાં જ બેભાન થઈ પડી ગયેલ બાળકીના મૃત્યુએ ચકચાર જગાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા જયેશભાઇ ગોરધનભાઇ સોનાગરા નામના ખેડૂત યુવાનની આઠ વર્ષની પુત્રી પ્રિયલ ગઈકાલે રાબેતા મુજબ અભ્યાસ કરવા માટે પ્રાથમિક શાળાએ ગઈ હતી.બાદમાં બપોરે શાળામાં રિશેષ પડતા પ્રિયલ પોતાની સાયકલ લઈ ઘેર જમવા આવતી હતી ત્યારે શેરીમાં સાયકલ સાથે બેભાન થઈ ઢળી પડતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. જો કે, નાની ઉંમરમાં જ બેભાન થઈ ઢળી પડેલી બાળકીના મૃત્યુની ઘટનાથી નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.