મોરબી શહેરની મોટાભાગની સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ 30મીએ આજે સત્તાવાર જાહેરાત કરાઈ : તમામ વિગતો જાહેર કરવામાં પણ આળસ, એક લિંક જાહેર કરી દેવાય, સ્પર્ધકોએ લિંકમાં પોતાની સ્પર્ધાની વિગતો શોધવાની રહેશેમોરબી અપડેટ : મોરબી જિલ્લાના રમત ગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભનું ઢંગધડા વગરનું આયોજન કરાયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનાર રમતવીરોને સ્પર્ધાની તારીખો અને સ્થળ અંગે પણ જાણ કરવામાં આવતી ન હોય, અનેક રમતવીરો સ્પર્ધામાં ભાગ લેવાથી વંચિત રહ્યા છે. આ અંગે મોરબી અપડેટ દ્વારા આજે સવારે વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા રમત ગમત વિભાગે ઘોડા છૂટ્યા બાદ તબેલામાં તાળા મારવા માફક સ્પર્ધાઓનું શેડ્યુલ જાહેર કર્યું છે. તેમાં પણ મોરબી શહેરની તો મોટાભાગની સ્પર્ધાઓ આજે પૂર્ણ થયા બાદ સ્પર્ધાઓના સથળ, સમય તારીખની વિગતો જાહેર કરતા રમતવીરોમાં કચવાટ ફેલાયો છે.જો કે આમાં પણ રમત ગમત વિભાગે આળસ બતાવીને સ્પર્ધાની વિગતો જાહેર કરવાને બદલે માહિતી વિભાગ મારફત માત્રને માત્ર એક લિંક જાહેર કરી દીધી છે. જેમાં સ્પર્ધકોએ લિંકમાં જઈ આખા રાજ્યના શેડ્યુલમાંથી મોરબી જિલ્લાનું શેડ્યુલ શોધીને પોતાની સ્પર્ધાની વિગતો શોધવાની રહેશે. તેઓ દ્વારા જાહેર કરાયેલી યાદી પ્રમાણે મોરબી ગ્રામ્ય કક્ષા તથા મોરબી મહાનગરપાલિકા શહેર કક્ષાની સ્પર્ધાઓ તા. ૧૭/૧૦/૨૦૨૬ સુધી યોજાનાર છે. આ સ્પર્ધાઓ માટે નોંધણી કરાવેલા ખેલાડીઓની સુવિધા અર્થે રમતવાર સંપૂર્ણ કાર્યક્રમ તારીખ, સમય અને સ્થળ સહિતની વિગતો સાથે વિભાગની અધિકૃત વેબસાઇટ khelmahakumbh.gujarat.gov.in/competitionplace ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તમામ ખેલાડીઓએ ઓનલાઈન શેડ્યુલ ચકાસીને પોતાની રમત મુજબ નિયત સ્થળે સમયસર રિપોર્ટિંગ કરવાનું રહેશે, સ્પર્ધા શરૂ થયા બાદ વિલંબથી આવનાર ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.આ ઉપરાંત તંત્રની યાદીમાં જણાવાયું છે કે સ્પર્ધાસ્થળે આવતી વખતે ખેલાડીઓએ પોતાની ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્લીપ ફરજિયાત સાથે લાવવાની રહેશે અને કન્વીનર કમ ચીફ રેફરી સમક્ષ રજૂ કરવાની રહેશે, જે વિના સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. કાર્યક્રમમાં કોઈ આકસ્મિક ફેરફાર થશે તો તેની જાણ વ્યાયામ શિક્ષકોના વોટ્સએપ ગૃપો મારફતે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જો સ્પર્ધાના કાર્યક્રમમાં ફેરફાર થશે તો તેની જાણ સીધી સ્પર્ધકોને ફોન કે મેસેજ દ્વારા કરવાની તસ્દી નહિ લેવાય તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આવું થયે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જાણ કરવામાં આવશે તેવું જાહેર કરાયુ છે. આવું કરવાથી અમુક સ્પર્ધકો જે વોટ્સએપ ગ્રુપમાં ન હોય તેના સુધી કાર્યક્રમમાં ફેરફારની વિગત ન પહોંચે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.